પાકિસ્તાન માટે જાસુસી કરતા શખસને ATSએ કચ્છના દયાપરથી પકડી પાડ્યો
- જ્યોતિ મલ્હોત્રા જેવો જાસુસીનો કેસ
- આરોપી સહદેવસિંહને 11 દિવસના રિમાન્ડ અપાયા
- આરોપી પાકિસ્તાનની મહિલાના સંપર્કમાં હતો
અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (એટીએસ)એ પાકિસ્તાન માટે જાસુસી કરતા એક શખસને કચ્છના દયાપરથી દબોચી લીધો છે. કોન્ટ્રેક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે કાર્ય કરતો સહદેવસિંહ ગોહિલ પાકિસ્તાની મહિલાના સંપર્કમાં સોશિયલ મિડિયાના માધ્યમથી આવ્યો હતો. અને પૈસાની લાલચમાં પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતાં ઝડપાયો છે. તે પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો.
આ અંગે માહિતી આપતાં ગુજરાત ATSના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત ATSના PSI આર.આર. ગરચરને 29 એપ્રિલ 2025એ ગુપ્ત બાતમી મળી હતી કે સહદેવસિંહ દીપુભા ગોહિલ (ઉં. વર્ષ: 28, રહે. નારાયણ સરોવર, તા.લખપત, જી.કચ્છ, હાલ પી.એચ.સી.) માતાના મઢમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે દયાપર-1 બીટમાં કોન્ટ્રેકટ ઉપર નોકરી કરે છે અને તે BSF અને ભારતીય નૌકાદળની માહિતી, જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ અગત્યની હોય એ વ્હોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વ્હોટસએપ પર મોકલે છે. એટીએસએ સ્પેશિયલ ટીમ બનાવીને આરોપીને ઝડપી લીધો છે. આરોપી અદિતિ ભારદ્વાજ નામ ધારણ કરનાર પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો. તેને BSF અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી સહદેવસિંહ પાસેથી માગી હતી. આરોપીને 40 હજાર રોકડ પણ અપાયા હતા. કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે. તેની પાકિસ્તાન PIO અદિતી ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી.
કચ્છના દયાપરમાં હંગામી હેલ્થવર્કર તરીકે કામ કરતા અને પાકિસ્તાન માટે જાસૂસી કરનારો સહદેવસિંહ ગોહિલને નલિયા કોર્ટમાં ગઈકાલે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં 14 દિવસ રિમાન્ડની માગ કરાઈ હતી પરંતુ કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.