વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી 19મી જુને યોજાશે
- બન્ને બેઠકોની મતગણતરી 23મી જુને હાથ ધરાશે
- કડી અને વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે
- વિસાવદરની બેઠક પર પાટિદાર મતદારો સૌથી વધુ
અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આગામી 19મી જુનના રોજ યોજાશે. કેન્દ્રિય ચૂંટણી પંચે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બંને બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે. ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ફરી પેટાચૂંટણી યોજાશે.
વિસાવદર વિધાનસભા અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિંયો જંગ જામશે. જુનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્ય ચૂંટાતા હોય છે. અહીંના મતદારોની વાત કરવામાં આવે તો 2.60 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને એમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે. છેલ્લા એક દાયકામાં એટલે કે, 2014થી 2024 સુધીના સમયમાં કેશુભાઈ પટેલ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી એમ કુલ 3 ધારાસભ્યએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું હોવાની ઘટના બનવા પામી છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયા અને AAPના ભૂપત ભાયાણી વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. જોકે ડિસેમ્બર, 2023માં તેમણે રાજીનામુ ધરી દેતાં ફરી વિસાવદર બેઠક ખાલી પડી હતી. ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા. આ વખતે ભાજપ ભૂપત ભાયાણીને ટિકિટ આપશે કે કેમ તે મોટો સવાલ છે. જ્યારે આમ આદમી પાર્ટીએ લેઉવા પાટીદાર એવા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણીપંચે ચૂંટણી તારીખ જાહેર કરી નહોતી એ પહેલાં જ AAPએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1995થી લઈ 2022 સુધી આ સીટ પરથી લેઉવા પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે. આ સીટ પરથી જ જીતીને કેશુભાઈ પટેલ 1995માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા.
કડી વિધાનસભાની પેટાચૂંટણી પણ 19મી જુને યોજાશે. ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. તેથી પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. કડી મતવિસ્તારમાં 376 નવા મતદારોનો વધારો થયો છે. આમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. કુલ મતદારોની સંખ્યા 2,89,746 થઈ છે. જેમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.