એશિયા કપ 2025: ભારત–પાકિસ્તાન ક્રિકેટ વિવાદ ICC સુધી પહોંચ્યો
નવી દિલ્હીઃ એશિયા કપ 2025ના સુપર ફોરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સર્જાયેલા ઘર્ષણનો મામલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સુધી પહોંચ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પાકિસ્તાનના ખેલાડીઓ હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાન સામે ICCમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. બીસીસીઆઈએ આ ફરિયાદ ઈમેઇલ મારફતે મોકલી હતી. દરમિયાન પીસીબીએ પણ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ નોંધાવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે (21 સપ્ટેમ્બર)ની સુપર ફોર મેચમાં પાકિસ્તાનના ફરહાન દ્વારા હાફ સેન્ચ્યુરી પૂરી થયા પછી કરવામાં આવેલ ‘ગન સેલિબ્રેશન’ અને હરિસ રઉફ દ્વારા બાઉન્ડ્રી પર ફાઇટર જેટની નકલી આંદાજમાં ઉજવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો બંને ખેલાડીઓ ICCમાં આ આરોપોનો ઇનકાર કરે તો તેઓએ એલિટ પેનલ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ સુનાવણીનો સામનો કરવો પડશે. બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ICCમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. PCBનો દાવો છે કે, સૂર્યકુમારની મેચ દરમિયાન વર્તન ખેલભાવના વિરુદ્ધ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સુપર ફોર મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી વિજયનો ધ્વજ ફહરાવ્યો હતો. જોકે, મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓની કેટલીક હળવી હદ વાળવાની હરકતો જોવા મળી હતી. ICC કંઈ રીતે કાર્યવાહી કરે છે અને બંને બોર્ડ વચ્ચેના આ વિવાદ પર શું વલણ અપનાવે છે, તે હવે રસપ્રદ બનશે.