સોમનાથના દરિયા કાંઠે અને બરડાના બંધારામાં વિદેશી પક્ષીઓનું આગમન
- સાઇબેરિયા-યુરોપના પેલિકન-ફ્લેમિંગો 4 માસ સુધી રહેશે
- વન વિભાગે કરી સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા
- અનેક પ્રજાતિના પક્ષીઓ નિહાળીને પક્ષી પ્રેમીઓ બન્યા રોમાંચિત
વેરાવળઃ શિયાળાની ઋતુમાં સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ તળાવો અને સરોવરોમાં વિદેશી પક્ષીઓએ મુકામ કર્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વડોદરાઝાલા, સોડવ અને બરડા બંધારામાં સાઇબેરિયા, મધ્ય યુરોપ અને મોંગોલિયાથી આવેલા પક્ષીઓ મહેમાન બન્યા છે. આ પક્ષીઓમાં પેલિકન, ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિત વિવિધ પ્રજાતિઓના છે, જે 4 માસ સુધી અહીં વેકેશન ગાળશે. વન વિભાગ દ્વારા આ પક્ષીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગીર સોમનાથના વિશાળ સમુદ્રકાંઠા પરના બંધારાઓ પર યાયાવર પક્ષીઓનો નજારો જોવા મળી રહ્યો છે.. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે. ખાસ કરીને વડોદરાઝાલા, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અનેક પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતાં ગીર સોમનાથના પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠ્યા છે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સોમનાથના વિશાળ સમુદ્રકાંઠા પરના બંધારાઓ પર સાઇબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. વિદેશી પક્ષીઓમાં પેલિકન, ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ શિયાળા દરમિયાન અહીં આવતા હોય અને પ્રજનન કરતાં હોય છે. મોટાભાગે યુરોપિય દેશો અને રસિયામાંથી પક્ષીઓ આવે છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. આ પક્ષીઓ અહીં ખોરાકની શોધમાં સ્થળાંતરિત થતા હોય છે. ખાસ કરીને ત્રણ-ચાર મહિના અહીં રહી પછી પરત ફરે છે. વન વિભાગ દ્વારા પરદેશી મહેમાન એવા આ પક્ષીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ખાસ ટ્રેકર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે, જેના દ્વારા સતત ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવે છે.
આ બાબતે આર.એફ.ઓ પંપાણીયાએ જણાવ્યું હતું કે, આ સીઝનમાં યુરોપર અને રશિયાના દેશોમાં ખૂબ ઠંડી પડવાને કારણે બરફ જામી જાય છે, જેથી ભારતના દરિયા કિનારાના હુંફાળા વાતાવરણમાં શિયાળા દરમિયાન આ યાયાવર પક્ષીઓ અહીં આવે છે અને શિયાળો પૂર્ણ થતાં જ ફરી વતન રવાના થાય છે.