ગુજરાતમાં નોન ગ્રાન્ટેડ શાળા શરૂ કરવા માટે 31મી જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે
- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ જ સ્વીકારાશે
- માધ્યમિક બોર્ડની વેબસાઈટ gseb.org પર નવી શાળાની મંજૂરી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે,
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી બિનસરકારી અનુદાનિત નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજી કરવા માટેની મુદત 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. નોન ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવા માટે શરતી મંજુરી આપવામાં આવશે. શાળા શરૂ કરવા માગતા અરજદારોએ માધ્યમિક બોર્ડની વેબસાઈડ nsa.gseb.org ઓન લાઈન અરજી કરવાની રહેશે,
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોન ગ્રાન્ટેબલ શાળાઓ શરૂ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી કાયમી ધોરણે ગ્રાન્ટ નહીં લેવાની શરતે નવી બિનસરકારી અનુદાનિત એટલે કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક ધોરણ 9 અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 ની શાળાઓ શરૂ કરવા માટે કાયદેસર રીતે નોંધાયેલા ટ્રસ્ટ સંચાલક મંડળ કે સ્થાનિક સ્વરાજની સંસ્થા તેમની સ્થાપના કરીને માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવા માટે તેમની પાસેથી અરજીઓ મંગાવવાની અંતિમ તારીખ 19 જાન્યુઆરીને રવિવાર હતી તે મુદ્દત વધારીને તારીખ 31 જાન્યુઆરીને શુક્રવારે રાતના 12:00 વાગ્યા સુધી કરવામાં આવી છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ nsa. gseb.org પર નવી શાળાની મંજૂરી માટેની આવશ્યક સુચનાઓ ધ્યાનમાં લઈને ઓનલાઈન અરજી માટેની પ્રક્રિયા કરવાની રહેશે તેમ જારી કરેલા પરિપત્રમાં બોર્ડે જણાવ્યું છે.