મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ
મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલે 12 થી 18 ડિસેમ્બર દરમિયાન સમગ્ર શહેરમાં અનેક મોટા ઓપરેશનો હાથ ધર્યા હતા. જે દરમિયાન 11 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 4.01 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી મુંબઈ પોલીસ દ્વારા ડ્રગ સ્મગલિંગ નેટવર્કને તોડી પાડવા માટે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની કિંમત લગભગ 1 કરોડ 40 લાખ રૂપિયા
એન્ટી નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે ગોવંડીમાં પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરી હતી. જેની પાસેથી 4 કિલોથી વધુ ચરસ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની કિંમત લગભગ 1 કરોડ 40 લાખ રૂપિયા છે. ત્યારબાદ આઝાદ મેદાન યુનિટે ધારાવીમાં કાર્યવાહી કરી હતી. જ્યાં તેમણે કોડીન ફોસ્ફેટ ધરાવતા કફ સીરપના વેપારીની ધરપકડ કરી, જે ગેરકાયદેસર રીતે વેચાઈ રહી હતી. પોલીસે વેપારી પાસેથી કુલ 2,395 બોટલો જપ્ત કરી હતી. જેની અંદાજિત કિંમત 11.97 લાખ રૂપિયા છે. દેશમાં આ સીરપ પર પ્રતિબંધ છે અને તેના ગેરકાયદે વેપારને ગંભીર અપરાધ ગણવામાં આવે છે.
પોલીસે નાઈજીરિયન ડ્રગ હેરફેરના નેટવર્કના સંબંધમાં પણ તપાસ શરૂ કરી
આ સિવાય કાંદિવલી યુનિટે મલાડ (માલવાણી) અને અંધેરી વિસ્તારમાં પણ મોટી કાર્યવાહી કરી હતી. મલાડ માલવાણીમાં પેટ્રોલિંગ દરમિયાન કાંદિવલી યુનિટે હેરોઈનની દાણચોરીમાં સામેલ એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 305 ગ્રામ હેરોઈન રિકવર કર્યું હતું. જેની કિંમત અંદાજિત રૂ. 1.22 કરોડ છે. દરમિયાન અંધેરીના મરોલ વિસ્તારમાં, કાંદિવલી યુનિટે એક નાઈજિરિયન નાગરિકની ધરપકડ કરી હતી, જેની પાસેથી 136 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. આ કોકેઈનની કિંમત 68.15 લાખ રૂપિયા છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે નાઈજીરિયન ડ્રગ હેરફેરના નેટવર્કના સંબંધમાં પણ તપાસ શરૂ કરી છે.
પોલીસ ટીમ આરોપીની ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે
મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા શહેરભરમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન કુલ રૂ. 4.01 કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહીનો હેતુ ડ્રગની દાણચોરીના નેટવર્કને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ ટીમ આરોપીની ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે.