અમરેલી જિલ્લામાં સિંહબાળના મોતના વિવાદ વચ્ચે વધુ એક સિંહણનું મોત
- ધારાસભ્યએ વનમંત્રીને પત્ર લખીને તપાસની માગ કરી,
- માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો,
- ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી
અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. ત્યારે ત્રણ સિંહબાળના મોતને લીધે વન વિભાગની બેદરકારી સામે સવાલો ઊઠ્યા છે. સિંહોના મોતની ઘટનાઓ વધતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્રણ-ત્રણ સિંહબાળના મોતના સમાચાર બાદ રાજકીય માહોલ પણ ગરમાયો છે. બે દિવસ પહેલાં રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી આ બાબતે યોગ્ય તપાસ થાય એવી રજૂઆત કરી હતી ત્યારે રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
અમરેલીમાં સિંહોના મોતની ઘટનાઓ વધતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્રણ-ત્રણ સિંહબાળના મોતના સમાચાર બાદ રાજકીય માહોલ પણ ગરમાયો છે. બે દિવસ પહેલાં રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી આ બાબતે યોગ્ય તપાસ થાય એવી રજૂઆત કરી હતી. બીજીતરફ સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ આજે ગાંધીનગરથી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલ સિંહ અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટર (CF) રામ રતન નાલા સહિત અન્ય અધિકારીઓ પ્રથમ જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા છે.
ગાંધીનગરના પીસીસીએફ જયપાલ સિંહે આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું કે, આજે એક સિંહણનું મોત થયું છે, પરંતુ આ મોત કુદરતી રીતે થયું છે. હાલમાં સિંહોના જુદી જુદી રીતે કેટલાક મોત અલગ અલગ વિસ્તારમાં થયા છે? તેમજ એનિમલકેર સેન્ટર ખાતે સારવાર લઈ રહેલા સિંહબાળ અને સિંહો અંગે પણ તપાસ ચાલું છે. સિંહબાળ અને સિંહોને બચાવવા માટે વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સિંહોના મોત અંગે જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટ અનુસાર, એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ હવે ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે અને કેટલા સિંહો બીમાર છે તે અંગે વિસ્તૃત તપાસ કરી રહ્યા છે.
વન વિભાગના અધિકારીઓ હવે સિંહોના સ્વાસ્થ્યની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સિંહોના સંરક્ષણ માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં સિંહોના મોતના કારણો અંગે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
બે દિવસ પહેલાં રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ રાજય સરકારના વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી રજૂઆત કરી હતી. તેઓએ પત્ર લખીને જણાવ્યું હતું કે, પાલીતાણા શેત્રુંજી ડીવીઝન અને ધારી ગીર પૂર્વ ડીવીઝન છેલ્લા 2 માસમાં સિંહોના મૃત્યુના બનાવ બન્યા છે. તાજેતરમાં સિંહબાળમાં મૃત્યુ થયા છે અને કોઈ રોગના કારણે મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. નિયમ મુજબ ટ્રેકર્સ ફાળવેલા વિસ્તારમાં જરૂરી દેખરેખ માટે ફરતા હોય છે તેજ રીતે વનવિભાગના અન્ય અધિકારીઓ પણ વનવિભાગ વિસ્તારમાં તપાસણી અર્થે પ્રવાસ કરતા હોય છે. તેમ છતા આ બાબત કેમ ધ્યાનમાં ન આવી તે તપાસનો વિષય છે.