હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતના મુગટમાં વધુ એક યશકલગીઃ પીએમ જનમન અમલીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

12:53 PM Nov 11, 2025 IST | revoi editor
Gujarat wins first place in pm janman
Advertisement

ગાંધીનગર, 11 નવેમ્બર, 2025: પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશન અમલી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનું રાજ્ય બન્યું છે. ભારત સરકાર દ્વારા પીએમ જનમનના અમલીકરણ સંદર્ભે દેશના જુદા જુદા રાજ્યોની પ્રગતિને ધ્યાને લઇને જે રેંકિંગ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ભારત સરકાર દ્વારા તારીખ 17 ઓક્ટોબર, 2025ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત રાજ્યને “બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ”નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગુજરાતની આ સિદ્ધિ દર્શાવે છે કે આદિજાતિના વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર મજબૂત પ્રયાસો કરી રહી છે.

Advertisement

Gujarat wins first place in pm janman

ઉલ્લેખનીય છે કે, ભારતના 18 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વસતા 75 પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTG) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોનો સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર, 2023ના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનનો પ્રારંભ કર્યો હતો. આ મિશનનો ઉદ્દેશ નિશ્ચિત સમયમર્યાદામાં ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTG)ને આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, પાણી, વીજળી, આજીવિકા અને કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને તેમનું સામાજિક ઉત્થાન કરવાનો છે. ગુજરાતમાં આવા 5 ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTG) વસે છે, જેમાં કાથોડી, કોટવાળિયા, પઢાર, સિદ્દી અને કોલઘા જૂથોનો સમાવેશ થાય છે. આવા જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

પીએમ જનમન મિશન હેઠળ ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTGs) ને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવામાં આવે છે, જેમાં આવાસ, રોડ-રસ્તાની કનેક્ટિવિટી, પાઇપ મારફતે પાણીનો સપ્લાય, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ, મહિલાઓ માટે આંગણવાડીઓનું નિર્માણ, વીજળીકરણ, મોબાઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન, વન ધન વિકાસ કેન્દ્રો તેમજ મલ્ટીપર્પઝ સેન્ટરોની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ મિશન હેઠળ આ સમુદાયના લોકોના ઘર-પરિવારોનો સર્વે કરીને કોને કઈ સુવિધાની જરૂર છે, અને ક્યાં કેટલો ગેપ રહેલો છે, તે શોધીને તે મુજબ સુવિધાઓના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે, અને તે મુજબ તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Advertisement

ગુજરાત રાજ્યમાં પીએમ જનમન હેઠળ PVTG સમુદાયો માટે દ્વારા 14,552 આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2803 ઘરોમાં પાઇપલાઇન મારફતે પાણીની જરૂર હતી, અને આ તમામ એટલે કે 100% ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આ સમુદાયોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે 22 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, અને 1.25 લાખથી વધુ લોકોએ આરોગ્ય સુવિધાઓનો લાભ મેળવ્યો છે. પીએમ જનમન મિશન હેઠળ, PVTG સમુદાયોની મહિલાઓ માટે આગામી સમયમાં 67 આંગણવાડીઓ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે શિક્ષણના હેતુથી 13 હોસ્ટેલોના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે.

આ મિશન હેઠળ, વીજળી નહોતી પહોંચતી એવા 6630 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે, અને આ સાથે ગુજરાત રાજ્યએ પીએમ જનમન હેઠળ 100 ટકા વીજળીકરણ પૂર્ણ કર્યું છે. પીએમ જનમન હેઠળ આદિમજૂથ વસાહતોમાં મોબાઇલ નેટવર્કની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે 36 નવા મોબાઇલ ટાવરના બાંધકામનું આયોજન કરેલ, જેમાંથી 21 ટાવર ઉભા થઈ ચૂક્યા છે અને 41 આદિમજૂથ વસાહતોમાં 4G સેવા કાર્યરત છે. વધુમાં, માર્ગ સુવિધા હેઠળ 45 નવા રસ્તાઓ (કુલ 94 કિ.મી.)ની મંજૂરી આપવામાં આવી છે, ખાસ કરીને નાની વસાહતોને પણ આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે.

વધુમાં, વન પેદાશો પર પ્રાથમિક પ્રક્રિયા અને તેમના મૂલ્યવર્ધનમાં PVTG સમુદાયના લોકોના સક્રિય જોડાણ દ્વારા તેમની આજીવિકા અને આવકમાં વધારો કરવાના ઉદ્દેશથી આ મિશન હેઠળ 21 વન ધન વિકાસ કેન્દ્રો (VDVKs) કરવામાં આવ્યા છે, જેમાં કુલ 1050 લાભાર્થીઓ જોડાયા છે. આ કેન્દ્રો વન ઉત્પાદનોના મૂલ્યવર્ધન અને વેચાણ દ્વારા સ્થાનિક રોજગાર અને આવક વધારવામાં સહાયક બન્યા છે. આ ઉપરાંત, કૌશલ્ય તાલીમ, પોષણ, આરોગ્ય સેવાઓ, પુખ્ત શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે PVTG સમુદાય માટે 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવાની મંજૂરી આ મિશન હેઠળ આપવામાં આવી છે.

આ તમામ પાયાની સુવિધાઓ માટે ભારત સરકારના 8 મંત્રાલયો દ્વારા સહયોગ આપવામાં આવે છે, જેમાં ગ્રામ વિકાસ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વિદ્યુત મંત્રાલય, સંચાર મંત્રાલય અને આદિજાતિ બાબતોના મંત્રાલયનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
adivasi kalyangujaratGujarat newsgujarat one more awardlocal newspm janmantribal newstribal welfare
Advertisement
Next Article