ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા થલતેજમાં અદ્યતન વાંચનાલય બનાવાશે
- સ્નાનાગારમાં નવો ફિલ્ટરેશન પ્લાન્ટ નખાશે,
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણયો,
અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે. યુવાનો આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રકારે તેનો વિકાસ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે અને નાગરિકો વિદ્યાપીઠની સેવાઓનો વિશેષ લાભ લઈ શકે એ પ્રકારે ગૂજરાત વિદ્યાપીઠ મંડળ દ્વારા અનેક સર્જનાત્મક નિર્ણયો લેવાઈ રહ્યા છે.
ગૂજરાત વિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલનો લાભ અનેક નાગરિકો લઈ રહ્યા છે. વિધાપીઠના સંકુલમાં આવેલા આ સ્નાનાગારમાં રૂ. 30 લાખના ખર્ચે નવો અદ્યતન ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીનગરના રાંધેજામાં, મધ્ય ગુજરાતના દેથલીમાં અને દક્ષિણ ગુજરાતના અંભેટીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રોની આસપાસના ખેડૂતોને યોગ્ય વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ કેન્દ્રોનો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના તાલીમ કેન્દ્ર તરીકે વિકાસ કરાઈ રહ્યો છે. અંભેટીનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મિલેટ્સ અને ચોખાનું ઉત્પાદન કેન્દ્ર બને, દેથલીનું કેન્દ્ર બીજ ઉત્પાદન અને ફૂડ પ્રોસેસિંગનું મહત્વનું સેન્ટર બને તથા રાંધેજાનું કેન્દ્ર પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીનું આદર્શ મોડેલ ફોર્મ બને એ માટેના નિર્ણયો લેવાયા હતા.
ગૂજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2024-25 ની આ તૃતીય બેઠકમાં કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, મંડળના ટ્રસ્ટીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, હસમુખભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકર, ચંદ્રવદનભાઈ શાહ, સુરેશભાઈ રામાનુજ અને આયેશાબેન પટેલે ઉપસ્થિત રહીને વિચાર-વિમર્શમાં ભાગ લીધો હતો.