કચ્છના કંઢેરાઈ ગામની સીમમાં 540 ફૂટ ઊંડા બેરવેલમાં પડી 18 વર્ષની યુવતી
- ખેતરમાં કામ શ્રમજીવી પરિવારની યુવતી વહેલી સવારે બોરવેલમાં પડી
- પોલીસ અને NDRF ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન
- બચાવો બચાવોની બુમો બાદ અવાજ આવતો બંધ થયો
ભુજઃ ગુજરાતમાં સીમ-ખેતર વિસ્તારમાં આવેલા ખૂલ્લા બોરવેલમાં બાળકો પડવાના બનાવો બનતા હોય છે. ત્યારે કચ્છમાં ભૂજ તાલુકાના કંઢેરાઈ ગામની સીમમાં 18 વર્ષની યુવતી અકસ્માતે 540 ફુટ ઊંડા બોરવેલમાં પડી જતાં પોલીસ, ફાયરબ્રિગડનો કાફલો દાડી આવ્યો હતો. અને બનાવની જાણ થતાં જ જિલ્લાના અધિકારીઓ પણ દોડી ગયા હતા. ફાયરબ્રિગેડના જનાનોની મહેનત બાદ પણ પરિણામ ન મળતા એનડીઆરએફની ટીમને તાબડતોબ બોલાવવામાં આવી હતી. હાલ બોરવેલમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. બીજીબાજુ બોરવેલમાં પડેલી યુવતી બચાવો બચાવોની બુમો પાડતી હતી, બોરમાં કાન રાખો તો યુવતીના બુમો સંભળાતી હતી પણ યુવતીનો હવે અવાજ સંભળાતો નથી. તેથી યુવતીના પરિવારજનો બોરવેલ પાસે રડી રહ્યા છે. અને તંત્ર દ્વારા યુવતીને સલામતરીતે બહાર કાઢવા ભારે મહેમત કરવામા આવી રહી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભૂજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા તંત્રએ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. કંઢેરાઈ ગામની સીમમાં વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટનાના પગલે ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જોકે, સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ મળતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ભુજ તાલુકા મામલતદારના કહેવા મુજબ આજે સોમવાર સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની એક 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સવારના 8.45 કલાકે તંત્રને જાણ કરતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને યુવતીના બચાવ કાર્ય માટે ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ કામે લાગી છે.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરિજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યાં બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીના બચાવ માટે NDRFની ટીમને બોલાવવામાં આવી છે.