અમરેલીઃ ખેડૂતોએ વન્ય પ્રાણીઓથી સંતાનોને સુરક્ષિત રાખવા માટે નવતર પ્રયોગ અપનાવ્યો
અમદાવાદઃ અમરેલી જિલ્લામાં સમયાંતરે જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન અમરેલીના સિમ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના બાળકો પર દીપડા હુમલા કરે છે. જેના કારણે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ખેતર વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત ફેલાઇ છે. બાળકો ઊંઘતા હોય તે જ સમયે દીપડો આવીને ઉપાડી જાય તેવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે બાળકોના બચાવ માટે ખેડૂતો અને ખેતમજૂરોએ નવો પ્રયોગ હાથ ધર્યો છે.ત્યારે શ્રમિક પરિવારે માસૂમ બાળકોને સુરક્ષિત રાખવા માટે લોખંડનું પાંજરું બનાવ્યું છે.
- વન્ય પ્રાણી આવે, તો આ પાંજરાથી બાળકોનું રક્ષણ થઈ શકશે
માનવ વસાહત વચ્ચે દીપડાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ખેડૂતો અને ખેતમજૂરોને રાત દિવસ ખેતીવાડી વિસ્તારમાં પોતાના બાળકોને મૂકી કામ કરવું મુશ્કેલ બન્યું છે. આ દરમિયાન રાજુલા પંથકમાં આવેલા નાનકડા એવા ઝાપોદર ગામની સીમમાં ભરતભાઈ બારૈયાને 6 સંતાન સુરક્ષિત રાખવા માટે એક વિચાર કર્યો અને કારીગર પાસે દીપડાના પાંજરા જેવું જ બાળકો સુરક્ષિત રાખવા માટે મોટું પાંજરું બનાવ્યું છે.
- અન્ય ખેતમજૂરોને પણ આ પાંજરૂ પ્રેરણારૂપ બનશે
ઉલ્લેખનીય છે કે, રાજુલાના સિમ વિસ્તારમાં ખેડૂતો ખેતરોમાં મોડી રાત્રે પાણી વાળતા હોય છે. ઝાપોદર ગામના સિમ વિસ્તારમાં ખેતીનું કામ કરતા ભરતભાઇ ખીમાભાઈ બારૈયાને નવતર પ્રયોગ કર્યો છે. આ દરમિયાન દીપડાઓના આતંકથી બાળકોની સુરક્ષા માટે ખેડૂતે પાંજરું બનાવ્યું છે. આ પાંજરું અન્ય ખેતમજૂરોને પણ આ પાંજરૂ પ્રેરણારૂપ બનશે.
- લોખંડની જાળી સાથે આ પાંજરું બનાવ્યું છે
અમરેલીના ઝાપોદર ગામના ભરતભાઈનાં પત્નીનું અને માતાનું અવસાન થઈ ગયું હોવાથી, તેમના 6 સંતાનોની સુરક્ષાને લઈ સતત ચિંતામાં રહેતા હતા. બાળકોને સુરક્ષિત રાખવા તેમણે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેતરમાં કામ કરતી વખતે અથવા આસપાસ ગયા હોય ત્યારે જો વન્ય પ્રાણી આવી ચડે તો આ પાંજરાથી બાળકોનું રક્ષણ થઈ શકે એ માટે તેમણે લોખંડની જાળી સાથે આ પાંજરું બનાવ્યું છે.