For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધનસુરા બાયડ હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીક થતાં અફડા-તફડી મચી

05:30 PM Mar 25, 2025 IST | revoi editor
ધનસુરા બાયડ હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીક થતાં અફડા તફડી મચી
Advertisement
  • એમોનિયા ગેસ લીકને લીધે આજુબાજુના લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા
  • મોડાસા ફાયર ટીમે પાણીનો મારો ચલાવી, મેઈન વાલ્વ બંધ કરી સ્થિતિ થાળે પાડી
  • ખેડા ગામના 15થી વધુ અસરગ્રસ્તોને વાત્રક હોસ્પિટલોમાં ખસેડાયા

મોડાસાઃ ધનસુરા-બાયડ માર્ગે ખેડા ગામ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં મેઈન વાલ્વમાંથી એમોનિયમ ગેસ લીકેજ થતાં અફડા-તફડી મચી ગઈ હતી. ગેસ લિકેજને કારણે ખેડા ગામના પ્રજાજનો સહિત આસપાસના લોકોના શ્વાસ રૂંધાતા અને આંખોમાં બળતરા થતાં જ આ બનાવની મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મોડાસાના ફાયરના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી જઈને પીપી કીટના ઉપયોગ વડે પાણીનો મારો ચલાવી મેઈન વાલ્વ બંધ કરી સ્થિતિ થાળે પાડી હતી. જોકે આ એમોનિયમ ગેસ લીકેજને લીધે એક બાળકીને સહિત ખેડા ગામના 15થી વધુ અસરગ્રસ્તોને વાત્રક હોસ્પિટલોમાં ખસેડાયા હતા. જોકે સમયસર લીકેજ બંધ કરાતાં આસપાસના 5 થી 9 ગામોના લોકોને આ ગેસની આડ અસરથી બચાવી શકાયા હતા.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, ધનસુરા-બાયડ હાઈવે પર આવેલા રાધે કોલ્ડ સ્ટોરેજમાં વહેલી સવારે એમોનિયા ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી. હાલ ઉનાળાની સીઝન હોવાથી બટાકાનો સંગ્રહ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે વહેલી પરોઢે કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા ગેસ લીકેજના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તકલીફ અનુભવતા રહીશોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એમોનિયમ ગેસ લીક થતાં અને આ ગેસની વ્યાપક અસરને લઈ આસપાસના ગામોના લોકોને આંખોમાં બળતરા સહિત શ્વાસ રૂંધાવાની અસર વર્તાતાં જ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. રાધે કોલ્ડ સ્ટોરેજમાંથી થયેલા એમોનિયમ ગેસ લીકેજની જાણ થતાં મોડાસા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આ બનાવની જાણ થતાં ફાયર ઓફીસર હેમરાજસિંહ વાઘેલા સહિત 5 જવાનોની ટીમ અને રેસ્ક્યુ વાન તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા આ ગેસ લીકેજનો પ્રશ્ન હલ કરવા પીપીકીટનો ઉપયોગ કરાયો હતો. અને વજનમાં હલકા એવા એમોનિયમ ગેસને કાબુમાં લેવા જોરદાર પાણીનો મારો ચલાવી મેઈન વાલ્વ ઓપેટર દ્વારા બંધ કરાયો હતો. જોકે આ ગેસ લીકેજની સમસ્યા હલ થાય તે પૂર્વે આસપાસના ખેડા, નવાખેડા, રોહિતનગર, કામલી સહિતના પંથકમાં તેની અસર વર્તાવા માંડી હતી. જોકે ત્વરિત કાર્યવાહીને કારણે ગેસ લીકેજ અટકી ગયું અને મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા મુજબ ઉનાળામાં અત્યધિક ગરમીને કારણે ગેસથી ચાલતી મશીનરીમાં ખામીઓ સર્જાવાની શક્યતા વધી જાય છે. આવી પરિસ્થિતિમાં મશીનરીની નિયમિત જાળવણી અને મરામત અત્યંત આવશ્યક છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement