અમિત શાહે તમામ રાજ્યોના CM સાથે વાત કરી, પાકિસ્તાની નાગરિકોને શોધી-શોધી હાંકી કાઢવા સૂચના આપી
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા છે. તેમજ બંને દેશની સરહદ ઉપર યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તેમણે દરેકને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના પાકિસ્તાન વહેલા પાછા ફરવાની ખાતરી કરવા માટે પગલાં લેવા જણાવ્યું હતું. શાહે ઘણા મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને અન્ય લોકો સાથે પણ વાત કરી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહે શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કર્યો હતો અને તેમને ખાતરી કરવા કહ્યું હતું કે કોઈ પણ પાકિસ્તાની નાગરિક દેશ છોડવા માટે નિર્ધારિત સમયમર્યાદા પછી ભારતમાં ન રહે. ભારતે ગુરુવારે 27 એપ્રિલથી પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરવાની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનમાં રહેતા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઘરે પાછા ફરવાની સલાહ આપી હતી. મુખ્યમંત્રીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમને દેશનિકાલ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું હતું.
હકીકતમાં, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં, આતંકવાદીઓએ 26 લોકો (બે સ્થાનિક અને બે વિદેશી નાગરિકો) માર્યા ગયા હતા. મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે આ હુમલો થયો હતો, જ્યારે આતંકવાદીઓ બૈસરન ખીણમાં પર્વત પરથી ઉતરી આવ્યા હતા અને ત્યાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ સ્થળને તેના લાંબા લીલા ઘાસના મેદાનોને કારણે 'મીની સ્વિટ્ઝર્લૅન્ડ' કહેવામાં આવે છે.