અમિત શાહે માણસામાં અંદાજે રૂ. 241 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે.
ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠા પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે એક કરોડ 33 લાખ રૂપિયાનાં ખર્ચે સંરક્ષણ દિવાલના કામનું ઇ-લોકાર્પણ કર્યું હતું અને માણસા વિશ્રામ ગૃહનું પણ લોકાર્પણ કર્યું હતું.
જ્યારે કલોલ ખાતે 198 કરોડ રૂપિયાનાં 19 વિકાસકાર્યોનું લોકાર્પણ અને 8 વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતુ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કલોલના નારદીપુરમાં રામજીમંદિરમાં ભજન મંડળીઓને સાધનોનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે બોરસણા ખાતે કલોલ-સાણંદ રોડનું ખાતમુહુર્ત કર્યું હતું. જ્યારે સઇજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.