ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ, તુષાર ચૌધરીને વિપક્ષના નેતાનો હવાલો
- અમિત ચાવડા બીજીવાર પ્રદેશ પ્રમુખ બન્યા,
- પ્રદેશના નેતાઓને ચર્ચા માટે દિલ્હી બોલાવાયા હતા,
- પ્રદેશ પ્રમુખની શક્તિસિંહના રાજીનામાંથી જગ્યા ખાલી પડી હતી
અમદાવીદઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તથા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાંથી પ્રમુખની જગ્યા ખાલી પડી હતી. એટલે ગોહિલના સ્થાને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ છે. અમિત ચાવડા બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેઓ 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખપદની રેસમાં હતાં.
ગુજરાત પ્રદેશ પ્રમુખની ખાલી જગ્યા પર કોને નિમણુંક આપવી તે માટે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા મંથન ચાલી રહ્યું હતું. ગઈ તા. 10 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખનાં નામ માટે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આજે અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે. 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા છે. જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો છે.
કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં ગત 23 જૂન, 2025ના રોજ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. શક્તિસિંહ ગોહિલના સ્થાને શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા.
અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા એક સમયે સંસદસભ્ય હતા. આ ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આ પહેલાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 2023ના જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. આ પહેલાં 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતાં અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા 2018માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા.