અમદાવાદમાં AC, ફ્રિજના ગોદામમાં આગના બનાવમાં AMCની નિષ્ક્રિયતા જવાબદાર
- જીવરાજની જ્ઞાનદા સોસાયટીમાં મકાનમાલિકે ઘરમાં ગોદામ બનાવ્યુ હતુ
- ગેસના 3000 બાટલા ફાટતા અને આગ લાગતા સગર્ભા મહિલા અને બાળકનું મોત,
- સોસાયટીના ચેરમેને અગાઉ મ્યુનિને લેખિત ફરિયાદ કર્યા છતાંયે પગલાં ન લેવાયા
અમદાવાદઃ શહેરમાં રવિવારે જીવરાજપાર્ક ચારરસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઈટરના ગેસના બાટલા અને કોમ્પ્રેશર ફાટતાં આગ લાગી હતી. જેમાં એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું મોત થયું હતુ. ધડાકાભેર બાટલા ફાટતાં ભીષણ આગ લાગી હતી. આ બનાવમાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતા તપાસમાં બહાર આવ્યું છે. કારણ કે સોસાયટીના ચેરમેન સહિત રહિશોએ ગેરકાયદે ગોદામ અંગે મ્યુનિને લેખિત ફરિયાદ કરી હતી છતાંયે કોઈ પગલાં લેવાયા નહતા.
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઈટરના ગેસના બાટલા અને કોમ્પ્રેશર ફાટતાં આગ લાગી હતી. જેમાં એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું મોત થયું હતુ. બંગલાના માલિકે જ ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદે ગોડાઉન બનાવી દીધું હતું. તેમના 42 વર્ષના પત્ની સરસ્વતીબહેન અને 2 વર્ષના પુત્ર સૌમ્યનું ઉપલા માળે ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હતું. મકાનમાલિક જગદીશ મેઘાણી બાજુના કોમ્પ્લેક્સમાં એસી, ફ્રીજના રો-મટીરિયલનો વ્યવસાય કરે છે. ઘરમાં લગભગ 3 હજાર બાટલા સ્ટોર કરાયા હતા. ગરમીને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. ફટાકડાની જેમ બાટલા ફૂટતાં આજુબાજુના બે ઘરને પણ નુકસાન થયું હતું. તેમજ નજીકમાં પાર્ક કરેલી 4 કાર, 7 ટુવ્હીલર આગમાં ખાક થઈ ગયા હતા. વાસણા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી એફએસએલ, મ્યુનિ., ફાયરનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બનાવ અંગે સોસાયટીના ચેરમેનના ચેરમેનના કહેવા મુજબ ગયા મહિને દ. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગને ગેરકાયદે ગોડાઉન અંગે લેખિત અરજી કરી જાણ કરી હતી. ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ગોદામ બનાવીને જ્વલનશીલ બાટલા સ્ટોર કરાયા હતા. સોસાયટીએ મકાનમાલિકને પણ નોટિસ આપી હતી અને કમ્પાઉન્ડ તેમજ ધાબા પર આવો સામાન ન મૂકવા કહ્યું હતું. નોટિસમાં તેમને સ્પષ્ટ કહેવાયું હતું કે, આગ લાગવાનું જોખમ હોવાથી ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થ સ્ટોર ન કરો. આ અંગે મ્યુનિના અધિકારીએ કોઈ પગલાં લીધા ન હતા.
આ બનાવમાં ગેસના નાના બાટલા ફૂટીને મકાનની બહાર સોસાયટીના રોડ પર તેમજ જાહેર રોડ પર ફંગાળાઇને પડયા હતાં. આગના કારણે રોડ પર પડેલી 4 કાર અને 7 ટુવ્હીલર બળીને ખાક થઈ ગયા હતા. ચારેબાજુ ગેસના બાટલા પડેલા જોવા મળ્યા હતા.
ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગોડાઉનમાં એસીના ગેસ રિફિલિંગની બોટલો હતી. સંભાવના છે કે, કોઈ બોટલ લીક થઈ હશે. ગરમી પણ ઘણી વધારે હતી. લીકેજને કારણે ગોડાઉનમાં ગેસ જમા થતો હોવો જોઈએ. એસીમાં ભરાતા ગેસને તણખાની જરૂર નથી. ભારે દબાણ અને વધુ પડતી ગરમીને કારણે તે આપોઆપ આગ પકડી શકે છે. ગેસ હંમેશા ઉપર તરફ ગતિ કરે છે. આ ઘટનામાં પણ આગ-ધુમાડા ઉપલાં માળ સુધી પહોંચ્યા હતા. લાઈટરમાં પૂરવાનો ગેસ એલપીજી હોય છે અને તે અત્યંત જ્વલનશીલ હોય છે. ગેસના બાટલામાં આગ લાગી હોવાથી તેની ફેલાવાની ગતિ વધી ગઈ હતી અને ઘરમાં ફસાયેલા લોકોને બહાર નીકળવાની તક પણ ન મળી હોય તેવું લાગી રહ્યુ છે.