અંબાજીઃ ગબ્બર પરિક્રમા મહોત્સવમાં 2 લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા
ગાંધીનગરઃ શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. બે દિવસમાં બે લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો છે અને હજુ પણ આવતી કાલે પરિક્રમા મહોત્સવનો ત્રીજો અને છેલ્લો દિવસ છે ત્યારે અવિરતપણે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. મહત્વની બાબત તો એ છે આ 51 શક્તિપીઠ મંદિર દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએ આવેલા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટને લઇ આ 51 શક્તિપીઠ મંદિરોની આબેહૂબ કૃતિની સ્થાપના અંબાજીના ગબ્બર તળેટી ખાતે કરવામાં આવી છે. પ્રતિવર્ષે આ પાટોત્સવને લઇ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને એક જ દિવસમાં 51 શક્તિપીઠ મંદિરના દર્શનનો લ્હાવો મળી રહ્યો છે. જો કે શ્રદ્ધાળુઓ આ પરિક્રમા મહોત્સવનો લાભ લે તે માટે માત્ર બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત નહિ પણ અમદાવાદ સુરત બરોડા જેવા અનેક સ્થળોથી યાત્રિકો ગબ્બર પરિક્રમા કરવા માટે અંબાજી પહોંચે તે માટેની બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને દર્શન કર્યા બાદ ભોજન પ્રસાદ તેમજ નાસ્તાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. પરિક્રમાના બીજા દિવસે પાદુકા અને ચામર યાત્રા કરવામાં આવી હતી જેને લઇ શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠ મંદિરના દર્શન લ્હાવો લીધો, જોકે આવતી કાલે આ પરિક્રમા મહોત્સવનો અંતિમ દિવસ છે.