સંસદના શિયાળુસત્રને લઈને 30 નવેમ્બરે સર્વદળીય બેઠક યોજાશે
દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રને યોગ્ય ચલાવવા અને સતત થઈ રહેલા હંગામાને થાળે પાડવા કેન્દ્રે પ્રતિપક્ષોને સાથે લેવા પ્રયાસો શરૂ કર્યા છે. સૂત્રો અનુસાર સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ 30 નવેમ્બરના રોજ સર્વદલીય બેઠક બોલાવી છે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે.
શિયાળુ સત્રમાં સરકાર કુલ 10 નવા વિધાયકો (બિલ) રજૂ કરવાની તૈયારીમાં છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ પરમાણુ ઊર્જા વિધેયક 2025 છે. આ બિલ દેશના પરમાણુ ઊર્જા ક્ષેત્રને પહેલી વખત ખાનગી કંપનીઓ માટે ખુલ્લુ કરાશે. અત્યાર સુધી પરમાણુ ક્ષેત્ર સંપૂર્ણ રીતે સરકારી નિયંત્રણ હેઠળ હતું. સરકારનો દાવો છે કે આ નવો કાયદો પરમાણુ ઊર્જાના નિયંત્રણ અને ઉપયોગથી જોડાયેલા માળખાને વધુ આધુનિક અને અસરકારક બનાવશે.
હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બિલ દ્વારા એક નવા સ્વાયત્ત ઉચ્ચ શિક્ષણ આયોગની સ્થાપના થશે, જે દેશની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુ સ્વતંત્રતા અને સ્વશાસિત બનવા પ્રોત્સાહિત કરશે. નેશનલ હાઇવેઝ (સંશોધન) બિલ રાષ્ટ્રીય હાઇવે માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને સરળ બનાવવાનું મુખ્ય લક્ષ્ય છે. સરકાર શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરી શકે છે. આ ઉપરાંત કોર્પોરેટ લૉઝ (સંશોધન) બિલ 2025 કંપની અધિનિયમ 2013 અને LLP અધિનિયમ 2008માં ફેરફાર કરી Ease of Doing Businessને વધુ મજબૂત બનાવવાનું પ્રસ્તાવ છે. તેમજ સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ (SMC) બિલ 2025 SEBI અધિનિયમ, ડિપોઝિટરી અધિનિયમ અને સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટ્સ રેગ્યુલેશન અધિનિયમ એમ આ ત્રણ કાયદાઓને મળીને એક જ સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બનાવવાની યોજના છે, જેથી બજાર સંબંધિત નિયમો વધુ સરળ અને એકસરખા થાય.
સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણીઓ અને સેકશન 34માં ફેરફારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર મધ્યસ્થતા કાયદામાં સુધારા લાવવાનો વિચાર કરી રહી છે. આ માટે એક સમિતિને સમીક્ષા સોંપવામાં આવી છે.