અમદાવાદથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને યાંત્રિક ખામીને લીધે રદ કરાઈ
- ફ્લાઈટ છેલ્લા ઘડીએ રદ કરાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો,
- પ્રવાસીઓને બીજી ફ્લાઈટમાં ટ્રાન્સફર કરાયા, દિલ્હીથી ડ્રીમ લાઈનર મગાવવું પડ્યું,
- 170થી વધુ પેસેન્જરોને 3 કલાક સુધી ફ્લાઈટમાં બેસાડી રખાયા
અમદાવાદઃ એરઇન્ડિયાની ગુરુવારે વહેલી 4.15 કલાકે સવારે અમદાવાદથી દિલ્હી જતી ફલાઈટમાં 170થી વધુ પેસેન્જરોને બેસાડી દીધા બાદ ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. શરૂઆતમાં એરક્રાફટ રિપેર કરી રવાના કરાશે એવો પેસેન્જરોને ગોળગોળ જવાબો અપાયા હતા. અને ત્રણ કલાક સુધી ફલાઇટમાં જ બેસાડી રખાતા પ્રવાસીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા.
એરઇન્ડિયાની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટનાઓ યથાવત છે. ટેક્નિશિયનોએ ચેક કરતા વિમાન ઉડાન ભરે તેવી સ્થિતિમાં ન હોવાથી ગ્રાઉન્ડ કરી તમામ પેસેન્જરોને ફરી ટર્મિનલમાં લવાતા પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવી દીધો હતો. એરલાઈને કેટલાકને બીજી ફલાઇટમાં ટ્રાન્સફર કર્યા તો ઘણાયને પૂરું રિફંડ અથવા બીજા દિવસની ફ્લાઇટનો વિકલ્પ અપાયો હતો. એરઈન્ડિયાની બપોરે દિલ્હીની 3.15 ની ફ્લાઈટ માટે 256 સીટર ડ્રીમ લાઈનર ઓપરેટ કરવું પડ્યું હતું.
દિલ્હીમાં ટ્રેડ ફેર અને અમદાવાદમાં ટ્રાવેલ ફેર કારણે દિલ્હીની ફ્લાઇટોમાં ઊંચા ભાડા સાથે ફુલ જઈ રહી છે. એરઈન્ડિયાની ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાતા અન્ય ફ્લાઇટો ફૂલ હોવાથી રઝળી પડેલા પેસેન્જરોને બીજી ફલાઇટમાં સમાવવા મુશ્કેલી પડી હતી. આમ એરપોર્ટ પર પેસેન્જરો અને ગ્રાઉન્ડ સ્ટાફના સાથે ભારે બોલાચાલી થઈ હતી. રાતે બે વાગે એરપોર્ટ પર આવેલા પેસેન્જરો આખી રાત હેરાન પરેશાન થઈ ગયા હતા. (file photo)