અમદાવાદ-રાજકોટ સિક્સલેન નેશનલ હાઈવેનું કામ 7 વર્ષે પણ પુરૂ થયું નથી
- હવે ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરી દેવાશે એવો તંત્રનો દાવો,
- મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટની કામગીરી થઇ રહી છે,
- કુવાડવા ખાતે ફ્લાયઓવર બ્રિજની કામગીરી હજુ બાકી છે
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સલેન બનાવવાનું કામ છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા હવે ત્રણ મહિનામાં સિક્સલેન હાઈવેનું કામ પૂર્ણ થઈ જશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ અગાઉ પણ કામ પૂર્ણ થવાની ઘણી મુદત આપ્યા છતાંયે હજુ કામ પુરૂ થયું નથી. આ પ્રોજેક્ટની પૂર્ણતાની સતત સાતમી વખત ડેડલાઈન વધારવામાં આવી છે. એક્સટેન્શન્સ પર એક્સટેન્શન્સ છતાં 2018થી શરૂ થયેલી સિક્સલેન હાઈવેની કામગીરી 2025ના અંત આવવા છતાં પણ પૂરી થઈ શકે તેમ નથી.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેને સિક્સલેનની કામગીરી છેલ્લા સાત વર્ષના અંતે પણ પુરી થઈ નથી. ત્યારે હવે તંત્ર દ્વારા કુવાડવા ઓવરબ્રિજને બાદ કરતા તમામ કામ 3 માસમાં પૂર્ણ થઇ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો પરંતુ આ દાવો સફળ સાબિત થશે કે પછી પોકળ સાબિત થશે તે તો આવનાર સમય જ બતાવશે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના કહેવા મુજબ રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઇવેની કામગીરી ચાલુ છે ત્યારે આ કામ ઝડપથી પૂર્ણ થાય અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના લોકોને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર થાય તે માટે સરકાર ચિંતિત છે અને કાર્યરત છે. ખુદ મુખ્યમંત્રી દ્વારા આ કામગીરી અંગે સમયાંતરે સમીક્ષા કરી અધિકારીઓને વહેલીતકે આ કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટની કામગીરી થઇ રહી છે. તબક્કાવાર કામ થઇ પણ રહ્યું છે, જેમાં સાયલાથી લીંબડી સુધીના રસ્તાનું કામ સંપૂર્ણ પૂર્ણ થઇ ગયું છે, એમાં કોઈપણ જાતનું કામ બાકી નથી.
હાઈવે અધિકારીના કહેવા મુજબ રાજકોટથી લીંબડી અને લીંબડીથી અમદાવાદ સુધીના અંતરમાં મુખ્યત્વે ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ ખાતે ફ્લાયઓવર બ્રિજ અને બગોદરા નજીક બ્રિજમાં રોડ બનાવવાની કામગીરી તેમજ સર્વિસ રોડ કામગીરી બાકી છે. આવી જ રીતે કુવાડવા ગામ નજીક બંને બાજુ 6-6 કિલોમીટર સર્વિસ રોડનું કામ બાકી છે જે ટૂંક સમયમાં એટલે કે આગામી દોઢથી બે માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જ્યારે કુવાડવા ખાતે ફ્લાયઓવર બ્રિજ માટે ડિઝાઇન નક્કી થઇ ગઈ છે અને એજન્સીને કામ પણ સોંપી દેવામાં આવ્યું છે. આ બ્રિજ બનાવી શરૂ કરવા માટે 9 મહિના જેટલો સમય લાગશે. હડાડીયા નજીક બ્રિજ કામગીરી ચાલુ છે તેમાં 6 એકી 4 ગડર ઇન્સ્ટોલ થઇ ગયા છે અને 4 પૈકી 3 સ્લેબ ભરાઈ ગયા છે માત્ર એક જ સ્લેબનું કામ બાકી છે આ કામગીરી પણ બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થઇ જશે.