અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હવે કરોડોની કિંમતના 9 પ્લોટ્સ વેચીને આવક ઊભી કરશે
- શહેરના સિંધુભવન રોડ પરના બે પ્લોટનો ભાવ રૂ. 333 કરોડ મુકાયો
- ચાંદખેડા અને મોટેરાના પ્લોટ્સ પણ વેચવા કાઢ્યા
- પ્લોટ્સ વેચાણથી રૂપિયા 1000 કરોડની આવક ઊભી કરાશે
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ સહિત વિવિધ વેરાની કરોડો રૂપિયાની આવક છે, ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે વિવિધ હેડ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ મળે છે. ત્યારે વધુ આવક મેળવવાના ઉદ્શ્યથી મ્યુનિની માલિકીના નવ જેટલા કિમતી પ્લોટ્સ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરનાં એસજી હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ શીલજ, વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 9 પ્લોટ હરાજીથી વેચીને 1000 કરોડની આવક ઊભ કરવાનો અંદાજ મુકાયો છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 9 જેટલા પ્લોટ્સ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 16 એપ્રિલથી 15 મે સુધી પ્લોટ્સ ખરીદવા માગતા લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. 19 અને 20 મેના રોજ ઇ-ઓકશન થશે. પ્લોટ વેચાણ કરી 1000 કરોડની આવક ઊભી કરવાનો અંદાજ છે. જે પ્લોટ્સ વેચવામાં આવનારા છે જેમાં શહેરના એસજી હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ સૌથી મોંઘા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. એક જ ટીપી અને FPમાં AMCના બે પ્લોટ આવેલા છે. જે બંને પ્લોટને વેચાણ માટે કાઢવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ 2.52 લાખ રૂપિયા છે જે મુજબ બંને પ્લોટની કુલ કિંમત રૂપિયા 333 કરોડ છે. આ બંને પ્લોટ બેથી ત્રણ વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે પરંતુ કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી. ચાંદખેડા અને મોટેરામાં ત્રણ, સિંધુભવન રોડ પર બે, થલતેજ, વટવા, નિકોલ અને શીલજમાં એક એમ 9 પ્લોટ વેચાણમાં મુકાયા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગ બગીચા, લાઇબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ હેતુના પ્લોટનું એએમસી દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે. ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1000 કરોડથી વધુની આવક ઊભી કરાઈ હતી જેમાંના નવ જેટલા પ્લોટ હજી સુધી વેચાયા નથી. જેના પગલે ફરીથી પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર 16 એપ્રિલથી 15 મે સુધી કંપનીઓ કે બિલ્ડરો રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 17 મે બીડ સીલ કરવાની છેલ્લી તારીખ છે. 19- 20 મે ના રોજ ઓનલાઈન ઇ-ઓકશન કરવામાં આવશે.