અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભરતી કૌભાંડ, નાપાસને માર્ક્સ વધારીને નોકરીના ઓર્ડર આપ્યા
- AMCના કર્મીએ માસ્ટર પાસવર્ડને ઉપયોગ કરી માર્ક્સ વધારી આપ્યા,
- મ્યુનિએ કૌભાંડ પ્રકાશમાં આવતા હેડ કલાર્કને સસ્પેન્ડ કર્યો,
- ત્રણ ઉમેદવારોને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય કર્યો
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેકનિકલ સુપરવાઈઝરની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીની લેખિત પરીક્ષામાં કટ ઓફ માર્ક્સમાં વધારો કરાવી ત્રણ ઉમેદવારોએ નોકરીના ઓર્ડર અપાયા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવતા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એએમસીના સેન્ટ્રલ ઓફિસના કર્મચારીએ પોતાની પાસે રહેલા માસ્ટર પાસવર્ડનો દુરુપયોગ કરી ત્રણ ઉમેદવારના માર્ક્સમાં વધરો કરી પાસ કરી દીધાની હકિકત જાણવા મળતા મ્યુનિએ સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ કૌભાંડ કરીને નોકરીમાં હાજર થયેલા ત્રણેય ઉમેદવારોને કાઢી મુકવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. મ્યુનિમાં ભરતીનું આ કૌભાંડ એક ઉમેદવારે અરજી કરી તપાસની માગ કરતા બહાર આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડની વિગતો પ્રકાશમાં આવતા તપાસના આદેશ અપાયા હતા. આ અંગે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, એએમસીમાં ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં મેરીટમાં માર્ક ન હોવા છતાં પણ સેન્ટ્રલ ઓફિસમાં જ ફરજ બજાવતા એક કર્મચારીએ ત્રણ ઉમેદવારના માર્કસમાં વધારો કરી દીધો હતો. જેના આધારે તેઓની ટેકનિકલ સુપરવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે. જે કોઈપણ કસૂરવાર હશે તેની સામે કડક પગલાં લેવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. ક્યાંય પણ ખોટું ચલાવી લેવાશે નહીં. છેલ્લા બે વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ ભરતી કરવામાં આવી છે તમામ ભરતીઓની તપાસ પણ કરવામાં આવશે.
એએમસીના ભરતી કૌભાંડ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં 93 જેટલા ટેકનિકલ સુપરવાઇઝરોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. ઉમેદવારો પાસેથી અરજી મંગાવીને લેખિત પરીક્ષા પૂર્ણ કરી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી જેમાં કોર્ટ મેટર થઈ હતી. રિવાઇઝ ફાઇનલ કી આન્સર જાહેર થઈ હતી. દરમિયાન મ્યુનિસિપલ કમિશનરને એક ઉમેદવાર દ્વારા અરજી મળી હતી. જેમાં એક ઉમેદવારના ફાઈનલ માર્ક્સમાં વધારો કરવામાં આવ્યો હોવા અંગેની રજૂઆત હતી. જેથી તાત્કાલિક ધોરણે કમિશનર દ્વારા સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તમામ ઉમેદવારોની પરીક્ષા દ્વારા એજન્સી દ્વારા આપવામાં આવેલાં રિઝલ્ટના માર્કસ અને મેરીટ માર્ક અંગેની તપાસ કરતા નિમણૂક પામેલા ઉમેદવાર કડીના રહેવાસી જય પટેલ, અમદાવાદના રહેવાસી મોનલ લિંબાચિયા અને તમન્ના કુમારી પટેલના માર્કસમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ત્રણેય ઉમેદવારના માર્ક્સમાં ફેરફાર કરાયો હોવા અંગેની તપાસ કરવામાં આવી હતી. એમાં જાણવા મળ્યું હતું કે, સેન્ટ્રલ ઓફિસમાં જે ફાઇનલ માર્ક્સ બનાવનારા સેન્ટ્રલ ઓફિસમાં જ હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પુલકિત સથવારા પાસે માસ્ટર પાસવર્ડ હતો. તેઓ દ્વારા એક્સેલ શીટમાં માર્કસમાં ફેરફાર કર્યો હતો. જય પટેલ, મોનલ લીમ્બાચીયા અને તમન્ના કુમારી પટેલના માર્ક ખૂબ જ ઓછા હતા અને તેઓ મેરીટમાં માર્ક્સ ધરાવતા નહોતા છતાં પણ તેઓ દ્વારા પુલકિત સથવારાનો સંપર્ક કરી અને માર્ક્સમાં વધારો કરાવડાવીને મેરીટમાં સ્થાન મેળવી લીધું હતું. જેના આધારે ત્રણેયની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઇઝરે નિમણૂક પણ આપવામાં આવી હતી.
એએમસી દ્વારા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા સેન્ટ્રલ ઓફિસમાં જ હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પુલકીત સથવારાને સસ્પેન્ડ કરી દેવાયો છે. અને તેમની વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા જ ફરિયાદ નોંધાવવામાં આવશે. ત્રણે ઉમેદવારને હાલમાં નોકરીમાંથી કાઢી મુકવા માટેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. ત્રણેય ઉમેદવારે પુલકિત સથવારાનો કેવી રીતે સંપર્ક કર્યો અને કેટલા રૂપિયામાં માર્કસ બદલવાનું નક્કી કરાયું હતું, વગેરે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા પુલકીત સથવારા છેલ્લા પાંચ વર્ષથી સેન્ટ્રલ ઓફિસ ખાતે હેડ ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો.