અમદાવાદઃ બે વિસ્તારમાં રસ્તા ઉપર પડ્યાં ભુવા, AMC ની કામગીરી સામે ઉભા થયા સવાલો
ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ભુવો પડવાના બનાવો અટકતા નથી. આજે વહેલી સવારે બે અલગ અલગ વિસ્તારોમાં ભુવો પડતા એક તરફ લોકોમાં ગભરાટ ફેલાયો તો બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થામાં પણ ભારે અવરોધ સર્જાયો. સુત્રોના જણાવ્યા અનુસાર હાટકેશ્વર વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર પડેલા ભુવામાં એક રિક્ષા ખાબકી ગઈ હતી. રિક્ષામાં ચાલક સહિત બે મહિલા મુસાફરો, એક બાળક અને એક પુરુષ સવાર હતો. આ દૂર્ઘટનામાં પાંચેય વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. જ્યારે રિક્ષાચાલક જયેશ પરમાર ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ સારવાર ચાલી રહી છે. બીજી તરફ, શાહિબાગથી દિલ્લી દરવાજા તરફ જતી મુખ્ય રોડ પર ફરકી શોપની સામે પણ ભુવો પડ્યો હતો. આ કારણે ત્યાં સતત ટ્રાફિક જામ સર્જાયો હતો.
હાટકેશ્વર વિસ્તારમાં ભુવો પડતા તંત્રને તાત્કાલિક ખોખરા તરફથી આવતા વાહનો માટેનો માર્ગ બંધ કરી ડાયવર્ઝન આપવું પડ્યું હતું. રસ્તામાં ભુવો પડવાની ઘટનાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. AMCએ બન્ને જગ્યાએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે. નાગરિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે વારંવાર ભુવો પડે છે, જેના કારણે અકસ્માતો થાય છે અને વાહનોને પારાવાર નુકસાન ભોગવવું પડે છે. બીજી તરફ હાટકેશ્વર ભુવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા રિક્ષાચાલક જયેશ પરમારની માતા ગીતાબેન પરમારે AMC સામે ઑનલાઇન ફરિયાદ પણ નોંધાવી છે.