અમદાવાદઃ સ્ટેડિયમ ખાતે ભારત-ઈંગ્લેન્ડને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદઃ 12 ફેબ્રુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી રહી છે. એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં (મોટેરાથી APMC અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી) મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે. અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડની વન-ડે મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાત્રિના 10 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે કે જે આખા દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી તે દિવસે અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપથી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR / TOKEN) રાત્રિના 10 વાગ્યા પછી લંબાયેલ સમય દરમ્યાન માન્ય રહેશે નહીં.