For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ બની 200 અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ

02:55 PM Jul 12, 2025 IST | revoi editor
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ બની 200 અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ
Advertisement

અમદાવાદઃ અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને 200 અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો છે. આજદિન સુધીમાં થયેલા કુલ 200 અંગદાન દ્વારા કુલ 659 અંગોનું દાન મળ્યું છે, જે થકી 638 લોકોને નવજીવન પ્રદાન થયું છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે.

Advertisement

200મા અંગદાનની વાત કરીએ તો અમરેલીના રહેવાસી એવા 35 વર્ષીય મહેશભાઇ સોલંકીને 02 જુલાઇના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ બગસરાથી હુમાપુર ગામે જતાં બોલેરો ગાડીએ ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.મહેશભાઇને પ્રથમ બગોદરા સિવિલ, ત્યારબાદ અમરેલી સિવિલ અને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી તારીખ 7 જુલાઈના રોજ વધુ સારવાર અર્થે તેઓને રાત્રે 9 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. 

સિવિલ હોસ્પિટલમાં 48 કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ 9 જુલાઈના રોજ ડોક્ટરોએ મહેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તેમજ સામાજિક કાર્યકર ભાસ્કર ચાવડા દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતાં સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. 

Advertisement

આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે 200 અંગદાન એ માત્ર આંકડો નથી, પરંતુ દરેક અંગદાન પાછળ એક પરિવારના આંસુમાંથી નીકળેલ બીજા પરિવાર માટેના નવજીવનની આશા છે. 200  અંગદાનની ઉપલબ્ધિ સિવિલની અંગદાન ટીમના ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અંગદાનની આંકડાકીય વિગતો પૂરી પાડતા ડૉ. જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઇ છે. જેમાં આજદિન સુધીમાં કુલ 200 અંગદાન  થયાં છે. જેના દ્વારા કુલ  657 અંગોનું દાન મળ્યું છે. જે થકી 638 લોકોને નવજીવન પ્રદાન થયું છે. મહેશભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 175 લીવર, 364 કીડની, 14 સ્વાદુપિંડ, 64 હૃદય, 6 હાથ, 32 ફેફસા, 2 નાના આંતરડા તથા 21 ચામડીનું દાન મળ્યુ છે. 

200મા અંગદાન વિશે ડૉ. જોષીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના દિવસે બ્રેઇનડેડ મહેશભાઇના અંગદાનથી મળેલ એક લીવર, બે કીડની તેમજ એક સ્વાદુપિંડનું સિવિલ મેડીસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મહેશભાઇના અંગદાનથી મળેલ હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. 

પોતાના સ્વજનના અંગદાનનો પરોપકારી નિર્ણય લઇ 638 માનવ જિંદગીના દીપ પ્રજ્વલિત રાખવા બદલ આ તમામ 200 અંગદાતાના પરિવારજનોના આપણે સૌ આભારી છીએ, એમ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.કોઇપણ જીવિત સ્વસ્થ વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા સ્વજનને અંગો ન આપવા પડે અને બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન થકી આવા તમામ ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા દર્દીઓને અંગો મળી રહે અને અંગોની પ્રતિક્ષામાં કોઇપણ વ્યક્તિ મૃત્યુ ન પામે એ ધ્યેય સાથે અમારી સિવિલની અંગદાન ટીમ કાર્યરત છે, એમ ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું.

આંકડામાં અંગદાન

- સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2020થી અત્યાર સુધીમાં થયેલા કુલ 200 અંગદાન થકી 175 લીવર, 364 કીડની, 14  સ્વાદુપિંડ, 64 હૃદય, 6  હાથ, 32 ફેફસા, 2 નાના આંતરડા તથા 21 ચામડીનું દાન મળ્યુ છે.

- સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન કરેલ 200 અંગદાતાઓમાંથી 156 પુરુષ અંગદાતાઓ અને 44 સ્ત્રી અંગદાતાઓનો સમાવેશ થાય છે. 

- સિવિલ હોસ્પિટલમાં મળેલ અંગદાનમાં 200 અંગદાતાઓ પૈકી176 અંગદાતાઓ ગુજરાતના, 5 ઉત્તરપ્રદેશના, 6 મધ્યપ્રદેશના, 3 બિહારના, 9 રાજસ્થાનના તથા 1 નેપાળના અંગદાતાનો સમાવેશ થાય છે. 

- ગુજરાતના 176 અંગદાતાઓ પૈકી સૌથી વધુ 68 અંગદાતાઓ અમદાવાદના છે.

- ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવાં દેશના અન્ય રાજ્યો તથા નેપાળ જેવા પાડોશી દેશના અંગદાતાઓ પણ સિવિલ હોસ્પિટલના અંગદાન મહાયજ્ઞમાં સહભાગી થયા છે.

- 2020 થી લઈને અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ દ્વારા સતતપણે લોકોને જાગૃત કરવાથી લઈને વધુને વધુ લોકોને અંગદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા છે. 

Advertisement
Tags :
Advertisement