અયોધ્યા જઈ રહેલી અમદાવાદની બસને નડ્યો અકસ્માત, 51 મુસાફરોને ઈજા
અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદથી શ્રદ્ધાળુઓ બસમાં અયોધ્યા દર્શન કરવા માટે નીકળ્યાં હતા. આ બસ શ્રદ્ધાળુઓની લઈને ઉત્તરપ્રદેશના શાહજહાંપુર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસને અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં 51 જેટલા મુસાફરોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ શ્રદ્ધાળુઓના અમદાવાદમાં રહેતા પરિવારજનોને અકસ્માતની જાણ થતા તેઓ પણ ચિંતામાં મુકાયાં હતા. તેમજ પોતાના સ્વજનોનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી 56 જેટલા શ્રદ્ધાળુઓને લઈને નીકળેલી બસ આજે વહેલી સવારે શાહજહાંપુરમાં કટરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર ફીલનગર પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન અન્ય બસ સાથે અથડાયા બાદ બસ રોડની સાઈડમાં ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવારે પ્રવાસીઓની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં 51 જેટલા મુસાફરોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જે પૈકી પાંચને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.