એઈજ ઈઝ જસ્ટ નંબર, 48 વર્ષના કોષાબેન વોરાએ આરંગેત્રમ્ નું સપનું સાકાર કર્યું
અમદાવાદના થલતેજ સ્થિત નહેરૂ ફાઉન્ડેશન ખાતે શ્રીમતી કોષાબેન શૈશવ વોરાનું આરંગેત્રમ સફળતાપૂર્વક આયોજિત થયું. ઉલ્લેખનીય બાબત એ છે કે કોષાબેનની ઉંમર 48 વર્ષની છે, અને આ ઉંમરે યોજાયેલું તેમનું આરંગેત્રમ્ એ એક પદવીદાન સમારોહ કરતા વધુ મહત્વનું બની જાય છે. કોષાબેન હોમમેકર છે અને સાથે જ નિરમા યુનિવર્સિટીમાં ફ્રેન્ચ ભાષાના વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ કાર્યરત છે. સંતાનોમાં તેમને બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી ડૉક્ટર છે અને નાની દીકરી એન્જિનિયરિંગ કરી રહી છે.
કોષાબેને નવ વર્ષની ઉંમરથી કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર પાસેથી ભરતનાટ્યમની તાલીમ લેવાની શરૂ કરી હતી. તેમણે સતત 7 વર્ષ સુધી ઇલાક્ષીબેન પાસેથી નૃત્યની તાલીમ લીધી. પરંતુ, ત્યારબાદ તેઓ દસમા ધોરણમાં આવ્યા, અને ગુજરાતી પરિવારોની પરંપરા અનુસાર, દસમા ધોરણ પછી બાળકોએ પોતાની કારકિર્દી પર વિશેષ ધ્યાન આપવાનું રહે છે. એ ન્યાયે કોષાબેને પણ દસમા ધોરણમાં આવ્યા બાદ તેમની નૃત્યની તાલીમ પર પૂર્ણવિરામ મૂકી દીધું. પરિણામે, તેમણે સાત વર્ષની ભરતનાટ્યમની તાલીમ તો મેળવી પરંતુ તેમનું આરંગેત્રમ્ બાકી રહી ગયું! કોષાબેનના લગ્ન થયા અને ત્યારબાદ ટિપિકલ ગુજરાતી ઘરોમાં થાય એમ, ઘર, વર અને સંતાનો એમનું સંપૂર્ણ જીવન બની ગયા. પોતાના સંતાનોની કારકિર્દી અને તેમના શોખ કોષાબેનની પ્રાથમિકતા બની ગયા!
કોષાબેનના સાસુ-સસરા બંને ડૉક્ટર, તેઓ બંને પ્રેક્ટિસ કરે એટલે કોષાબેને ઘરનો ભાર સંભાળ્યો અને પરિવારના બેકબોન બન્યા. પણ તેમના સાસુ ડૉ. મુક્તાબેનને મનમાં ખટકો હતો કે આ બધામાં મારી કોષા પાછળ રહી ગઈ. મુક્તાબેને તેમની વહુને કહ્યું કે, “તને જે ગમે તે કામ કર, પણ હવે તારા કરિયર વિશે વિચાર.” તેમણે લગભગ કોષાબેનને ધક્કો મારીને ઘરની બહાર મોકલ્યા. તે પછી કોષાબેન ત્રણ વર્ષ સુધી ફ્રેન્ચ ભાષા શીખ્યા, તેમાં ડિપ્લોમા કર્યું. ત્યારબાદ પહેલા થોડો સમય જીએલએસ યુનવર્સિટીમાં અને પછી નિરમા યુનિવર્સિટીમાં તેમણે ફ્રેન્ચ ભાષા શીખવવા માટે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જવાનું શરૂ કર્યું.
જીવનના 45 વર્ષ પૂર્ણ કર્યા પછી હવે કોષાબેન માટે સમય હતો જીવન પાસેથી થોડો વધુ સમય ચોરીને તેનો ઉપયોગ કરવાનો. આ બાબતે તેમણે તેમના પતિ શૈશવ વોરા સાથે ચર્ચા કરી, તો તેમણે કહ્યું કે, “જીવનમાં જ્યારે બધું મળી જાય ત્યારે કલા, સાહિત્ય અથવા સ્પોર્ટ્સની દિશામાં જવું જોઇએ. તેં જે વર્ષો પહેલા આદર્યું હતું, અને જે અધૂરું રહ્યું છે, તેને પૂરું કર.” કોષાબેને કહ્યું કે પણ એમાં તો ખૂબ સમય જશે અને બહુ પ્રેક્ટિસ પણ જોઇશે. શૈશવભાઈએ તેમને હિંમત આપી અને કહ્યું, “તને ગમે છે ને? તો થઇ પડશે, આગળ વધો.”
કોષાબેને 15 વર્ષની ઉંમરે અધૂરી છોડેલી ભરતનાટ્યમની તાલીમ 45મા વર્ષે ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો. આ માટે તેમણે કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરના જ શિષ્યા કલાગુરૂ શ્રીમતી રૂચાબેન ભટ્ટનો સંપર્ક કર્યો અને કલ્યાલ્મ નર્તન એકેડેમી જોઇન કરી. શરૂઆત થઈ એક કલાકની પ્રેક્ટિસથી અને ધીમે-ધીમે તાલીમનો સમય વધતો ગયો. તમામ શારીરિક તકલીફોનો સામનો કરીને કોષાબેન આગળ વધતા ગયા. પરિવાર તરફથી પણ સતત હિંમત અને હૂંફ મળતી રહી. સઘન તાલીમ પછી આરંગેત્રમ્ ની તારીખ નક્કી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ નારીશક્તિનું અદ્દભુત સંયોજન અને ઉદાહરણ બની રહ્યો. “એઈજ ઈઝ જસ્ટ નંબર”ને એને સાર્થક કરતા 48 વર્ષીય કોષાબેન વોરાએ તેમનું આરંગેત્રમ્ નું સપનું સફળતાપૂર્વક સાકાર કર્યું. મોટાભાગે મિડલાઈફ ક્રાઇસીસ, મેનોપોઝલ ચેન્જીસમાં ફસાઇને ડિપ્રેશનનો ભોગ બનતી મહિલાઓ માટે આ એક પ્રેરણાદાયી કાર્યક્રમ હતો.