બળાત્કાર કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી
બેંગ્લોરઃ કર્ણાટકની ખાસ અદાલત દ્વારા બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ખાસ અદાલતના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટે સજાનો આદેશ કર્યો હતો. ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે બળાત્કારના ચાર કેસ નોંધાયેલા છે. આ કેસ 48 વર્ષીય મહિલા સાથે સંબંધિત છે જે હાસન જિલ્લામાં રેવન્ના પરિવારના ગણિકડા ફાર્મહાઉસમાં ઘરકામ કરતી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર રેવન્ના પર 2021 માં હાસન સ્થિત તેમના ફાર્મહાઉસ અને બેંગ્લોર સ્થિત તેમના ઘરે બે વાર મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે આ કૃત્ય પોતાના મોબાઇલ ફોન પર રેકોર્ડ પણ કર્યું હતું. તેમજ તેણે ધમકી પણ આપી હતી કે જો કોઈને આ વિશે જણાવશે તો તે વીડિયો લીક કરશે.
ખાસ સરકારી વકીલ અશોક નાયકે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે 26 સાક્ષીઓના નિવેદનો લીધા હતા અને 180 દસ્તાવેજો રજૂ કર્યા હતા. મુખ્ય પુરાવા પીડિતાના હતા, જે ખૂબ જ વિશ્વસનીય હતા. કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમે સપ્ટેમ્બર 2024માં 1,632 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં 113 સાક્ષીઓના નિવેદનો શામેલ હતા.