ગુજરાતમાં તાપમાનમાં વધારો થયા બાદ ફરી વાદળો છવાતાં ઠંડીમાં વધારો
- બપોરે ગરમી અને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો માહોલ
- ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા
- આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી તાપમાનમાં થોડો વધારો થયા બાદ આજે સવારથી આકાશ વાદળછાંયુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ઠંડીમાં પણ વધારો થયો હતો. જોકે બપોરના સમયે થોડી ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ , 5થી 7 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ રહી શકે છે. ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સોમવારે સવારે શહેરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતુ, જ્યારે ગઈકાલે 23 દિવસ બાદ પહેલીવાર તાપમાન સિંગલ ડિજિટમાં 9.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. વહેલી સવારે અને રાત્રિના સમયે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ગઇકાલથી પવનની દિશા બદલાઇ છે અને ઉતર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. આથી સવારનાં ભાગે ફરી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. દરમિયાન તા. 2 થી 5 વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માવઠાની આગાહી પણ કરાઇ છે. ત્યારે આજે સવારથી ફરી એકવાર હવામાન પલયો અનુભવાયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક સ્થળોએ સવારનાં ભાગે ઘટાટોપ વાદળો ગોરંભાતા સુર્યદેવતા આજે સવારથી ગાયબ થઇ ગયા હતા.
આજે નલિયાને બાદ કરતા સર્વત્ર ઠંડી સામાન્ય રહી હતી. આજે સવારે નલિયા ખાતે 8.6 ડિગ્રી અને રાજકોટમાં 15.4, પોરબંદરમાં 14.9, વેરાવળમાં 17.8, અમદાવાદમાં 17, અમરેલીમાં 15.8, વડોદરામાં 16.8, ભાવનગરમાં 17.4, ભુજમાં 13.8, દમણમાં 16.4, ડિસામાં 15.2, દિવમાં 1પ.પ ડિગ્રી તથા દ્વારકામાં 19.8, ગાંધીનગરમાં 15.5, કંડલામાં 1પ અને ઓખામાં 20.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 5થી 7 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ રહી શકે છે. ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. 11 અને 12 ફેબ્રુઆરીએ ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે સવારે ઠંડી રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે અને 14 એપ્રિલ સુધી રોગિષ્ઠ હવામાન રહેવાની આગાહી છે. માસના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતા છે.