પહેલગામમાં 26 નિર્દોશની હત્યા બાદ આતંકવાદીઓએ હવામાં ગન લહેરાવીને ફાયરિંગ કર્યું હતું
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આ હુમલાના એક પ્રત્યક્ષદર્શીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને ચોંકવનારી માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાક્ષીએ જણાવ્યું છે કે હુમલા પછી ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓએ ઉજવણીમાં હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તપાસ એજન્સીઓએ આ સ્થાનિક પ્રત્યક્ષદર્શીને સ્ટાર પ્રોટેક્ટેડ વિટનેસ જાહેર કર્યો છે. NIA એ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની મદદથી આ સાક્ષી શોધી કાઢ્યો છે. આ વ્યક્તિ હુમલા પછી તરત જ સ્થળની નજીક હતો અને તે આતંકવાદીઓ સાથે સામસામે આવ્યો હતો.
એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, "આતંકવાદીઓએ તેને રોક્યો અને કલમા વાંચવાનું કહ્યું. તેણે સ્થાનિક કાશ્મીરી ઉચ્ચારણમાં કલમા વાંચ્યું, જેના કારણે આતંકવાદીઓને તેના પર શંકા ન થઈ અને તેઓ તેને છોડી ગયા. આ પછી તરત જ, તેઓએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું." સાક્ષીના નિવેદનના આધારે, NIA એ સ્થળ પરથી ચાર ખાલી કારતૂસ જપ્ત કર્યા છે.
સાક્ષીએ એમ પણ કહ્યું કે તેણે પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ નામના બે સ્થાનિક લોકોને પહાડી વિસ્તારમાં આતંકવાદીઓનો સામાન સંભાળતા જોયા હતા. થોડા સમય પછી આતંકવાદીઓ સામાન લઈને ચાલ્યા ગયા. તપાસમાં જાણવા મળ્યું છે કે પરવેઝ અને બશીરની આતંકવાદીઓને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રો અનુસાર, ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ 21 એપ્રિલના રોજ બપોરે 3:30 વાગ્યે પરવેઝના ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે ચાર કલાક સુધી સમગ્ર વિસ્તારની રેકી કરી, જેમાં તેમણે સુરક્ષા વ્યવસ્થા, પર્યટન સ્થળો અને માર્ગો વિશે માહિતી એકત્રિત કરી. જતા સમયે, તેઓએ પરવેઝની પત્ની પાસેથી મસાલા અને ચોખા પેક કર્યા અને તેને 500 રૂપિયાની પાંચ નોટો આપી હતી. બાદમાં તેઓ બશીરને મળ્યા અને તેમને 22 એપ્રિલના રોજ બપોરે 12:30 વાગ્યે તૈયાર રહેવા કહ્યું હતું.
NIA ને શંકા છે કે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સુલેમાન શાહ, જે અગાઉ ટનલ પ્રોજેક્ટ પર કામ કરતા 7 મજૂરોની હત્યામાં સામેલ હતો, તેણે આ હુમલામાં ભૂમિકા ભજવી છે. NIA હવે આ હુમલા પાછળના સમગ્ર આતંકવાદી નેટવર્ક, સ્થાનિક સહયોગીઓ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સાથેના સંબંધોની તપાસ કરી રહી છે. લશ્કર-એ-તૈયબા સાથેના જોડાણની પુષ્ટિ થઈ ચૂકી છે.