For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

‘વિશ્વ નાળિયેર દિવસ’: ગુજરાતમાં એક દાયકામાં નાળિયેરનો વાવેતર વિસ્તાર 5,746 હેક્ટર વધ્યો

08:32 AM Sep 02, 2025 IST | revoi editor
‘વિશ્વ નાળિયેર દિવસ’  ગુજરાતમાં એક દાયકામાં નાળિયેરનો વાવેતર વિસ્તાર 5 746 હેક્ટર વધ્યો
Advertisement

સમગ્ર વિશ્વમાં આજે, 2 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ નાળિયેર દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. નાળિયેરમાં રહેલા ગુણો, તેના આર્થિક મહત્વ અને વિવિધ ઉપયોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે. ભારત નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે. ગુજરાત પણ આ ક્ષેત્રે મહત્તમ ફાળો આપી શકે અને ખેડૂતોની આવક વધારી શકે તેવા ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર નાળિયેર વિકાસને પ્રોત્સાહન આપી રહી છે.

Advertisement

નાળિયેરના વાવેતરમાં નોંધપાત્ર વધારો

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ દિવસના સંદર્ભમાં જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નાળિયેર વિકાસની સુવર્ણ કેડી કંડારી હતી. તેના પરિણામે, છેલ્લા એક દાયકામાં રાજ્યમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર 5,746 હેક્ટર વધ્યો છે. વર્ષ 2014-15માં 22,451 હેક્ટરનો વાવેતર વિસ્તાર વર્ષ 2024-25માં વધીને 28,197 હેક્ટર સુધી પહોંચ્યો છે. હાલમાં ગુજરાતમાં લીલા નાળિયેર (તરોફા)નું વાર્ષિક ઉત્પાદન 26.09 કરોડ યુનિટથી વધુ છે.

Advertisement

ગુજરાતમાં નાળિયેર ઉત્પાદનની વિપુલ શક્યતાઓ

ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી અહીં નાળિયેરીના ઉત્પાદન માટે વિપુલ તકો રહેલી છે. હાલમાં 28,000 હેક્ટરના વાવેતર વિસ્તારને વધારીને 70,000 થી 80,000 હેક્ટર સુધી લઈ જવાની સંભાવના છે. ગુજરાતમાં મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં નાળિયેરનું ઉત્પાદન થાય છે.

સરકારી સહાયથી ઉત્પાદનને વેગ

રાજ્ય સરકારે નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે "ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ" અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે બજેટમાં ₹550 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹37,500 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે પણ ₹5,000 પ્રતિ હેક્ટર સુધીની સહાય મળે છે.

નાળિયેરનું મૂલ્યવર્ધન: ખેડૂતો માટે આવકનો નવો સ્ત્રોત

નાળિયેરને ભારતીય સંસ્કૃતિમાં 'શ્રીફળ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ઘણા ખેડૂતો નાળિયેરમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવીને મબલખ આવક મેળવી રહ્યા છે. આ ઉત્પાદનોમાં નાળિયેર તેલ, વર્જિન કોકોનટ ઓઇલ, નાળિયેરનું દૂધ, કોકોનટ કુકીઝ, બરફી, અને કોકોનટ ચિપ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા કુલ નાળિયેરમાંથી આશરે 40% જેટલા ત્રોફાની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે, જેની માંગ ઉનાળામાં સૌથી વધુ રહે છે.

Advertisement
Tags :
Advertisement