બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધ, ઓગડ જિલ્લો બનાવવાની પ્રબળ બનતી માગ
- દીયોદરમાં ઉપવાસ આંદોલનને મળ્યું જનસમર્થન
- દિયોદરની અવગણના કરી વાવ-થરાદ મધ્યસ્થ જિલ્લો જાહેર કરતાં રોષ
- બનાસકાંઠાની વિભાજન બાદ વિરોધ વધતા સરકાર પણ ચિંતિત બની
પાલનપુરઃ બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદને નવો જિલ્લો બનાવાતા સરકારના આ નિર્ણય સામે વિરોધ વધતો જાય છે. જેમાં દીયોદર તાલુકાના લોકો નવો ઓગડ જિલ્લો બનાવવાની માગ કરી રહ્યા છે. અને દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માંગ સાથે ઓગડ જિલ્લા સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે. ઓગડ જિલ્લાની માંગ સાથે જિલ્લાનો નકશો તૈયાર કરીને સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. આ અંગેનો નિર્ણય નહીં લેવાય તો સરકાર આગામી સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ઓગડ જિલ્લા સમિતિએે ચીમકી પણ આપી છે.
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાતા દિયોદર પંથકમાં ભારે નારાજગી ઊભી થઈ છે. દિયોદર તાલુકો જિલ્લાના મધ્યમાં આવતો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા દિયોદર તાલુકાની અવગણના કરી વાવ-થરાદ મધ્યસ્થ જિલ્લો જાહેર કરાતા સમગ્ર દિયોદર તાલુકા વાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અગાઉ બીજી જાન્યુઆરીએ આક્રોશ વ્યક્ત કરીને દિયોદરની બજારો બંધ રહી હતી. ત્યારબાદ લોકોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરીને ઓગડ જિલ્લાની માગ કરી હતી. તેમજ ગઈ તા.પાંચ જાન્યુઆરીના રોજ દિયોદર આઝાદ ચોક ખાતે દિયોદર તાલુકાના આગેવાનો ભાજપ - કોંગ્રેસ એક સાથે એક મંચ પર બેસી ઓગડ જિલ્લો જાહેર કરી દિયોદર તાલુકા મથક મુખ્ય મથક તરીકે આપવા માંગણી કરી હતી.
ઓગડ જિલ્લો બનાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી જે અંતર્ગત આંદોલનના ભાગરૂપે મંગળવારે દિયોદર રેફરલ હોસ્પિટલ સામે ઓગડ જિલ્લા સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન આરંભાયું છે.જેમાં તાલુકાના આગેવાનો યુવાનો વડીલો ઉપસ્થિત રહી ઉપવાસ આંદોલનમાં સહભાગી થયા હતા. તેમજ ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને મેઈલ કરી રજુઆત કરવામાં આવી છે. દાવો છેકે અત્યાર સુધી 5 હજાર કરતાં પણ વધારે નાગરિકોએ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામા રાખવા માટેની રજૂઆત કરી છે. હિત રક્ષક સમિતિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક સ્કેનર રજૂ કરવામાં આવ્યું છે. જે સ્કેનરને સ્કેન કરવાની સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ઈમેલથી રજૂઆત કરી શકાય છે.