બનાસકાંઠાઃ દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર
ડીસાઃ બનાસકાંઠાની જીવાદોરી સમાન દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે 9 અને 10 નંબરનો ગેટ ખોલીને 2000ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, 2000ક્યુસેક પાણી છોડાયું છે. બનાસ નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધાન રહેવા તથા તકેદારી રાખવા અધ્યક્ષ એ જણાવ્યું હતું. ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભુગર્ભ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે. તેમણે જણાવ્યું કે, દાંતીવાડા થી લઈને ડીસા, ભીલડી, રાધનપુર, કાંકરેજ સુધીના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે. તેમણે જન પ્રતિનિધિઓ, લોકો અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
દાંતીવાડા જળાશય યોજનાનું કુલ પૂર્ણ જળાશય સપાટી 604ફૂટ છે. ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અત્યારે ડેમમાં 949ક્યુસેક પાણીની આવક છે. અત્યારે ડેમમાં 13263મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થયો છે જે તેની કેપેસીટીના 95ટકા જેટલો ભરાયો છે. બનાસ ડેમ પર મુખ્ય 11ગેટ આવેલા છે. 2025 સિવાય છેલ્લા દસ વર્ષમાં વર્ષ 2015, 2017, 2022 તથા 2023માં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દાંતીવાડા જળાશય યોજનાથી બનાસકાંઠા અને પાટણ તાલુકાના કુલ 110 ગામના 45823 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. ડેમ માંથી નહેર દ્વારા સિંચાઈ વર્ષ 1965માં શરૂ કરાઈ હતી. આ જળાશય ડીસા, દાંતીવાડા અને પાલનપુર તાલુકાના કુલ 87 જેટલા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પડાય છે.