અમદાવાદમાં સવારે પતંગોનો ઠંડો માહોલ રહ્યા બાદ બપોરે પતંગબાજો વચ્ચે જામ્યું આકાશી યુદ્ધ
• પવન સારો રહેતા પતંગબાજોને મોજ પડી ગઈ
• સવારના સમયમાં ઠંડીને લીધે આકાશમાં પતંગો ઓછા જોવા મળ્યા
• એરપોર્ટ રન-વેથી પતંગ-દોરી હટાવવા ખાસ ટીમ બનાવાઈ
અમદાવાદઃ રાજ્યભરમાં આજે ઉત્તરાણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. સવારે ઠંડી અને ભારે પવનને લીધે આકાશમાં પતંગો ઓછી જોવા મળી હતી પણ બપોર થતાં જ આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો જોવા મળ્યો હતો. બપોરથી સાંજ સુધી પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જોવા મળ્યુ હતું ‘એ કાયપો છે....', 'ચલ ચલ લપેટ...'ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠ્યો હતો. આ ઉપરાંત લોકોએ ઉંધીયું-જલેબીની જયાફત માણી હતી. અમદાવાદમાં ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું હોય છે અને તેની પણ કીલે બુધવારે આકાશ પતંગોથી છવાયેલુ રહેશે.
અમદાવાદમાં પતંગો માટે પવન સાનુકૂળ રહ્યો હતો. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. આમ, આજે પતંગબાજોને સાનૂકૂળ પવનથી જલસો પડી ગયો હતો. આ સિવાય પતંગ ચગાવવા ઠુમકા લગાવવા પડ્યા નહતા. અમદાવાદમાં દિલ્હી ચકલા, કાલુપુર ટંકશાલ, રાયપુર, પાલડી, મણીનગર, સેટેલાઇટ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં સોમવારે મોડી રાત સુધી પતંગ-ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અમદાવાદની પોળમાં ઉત્તરાયણનો રોમાંચ અનેરો જોવા મળ્યો હોય છે. ખાસ પોળમાં ઉત્તરાયણ કરવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે.જેના કારણે હવે પોળમાં ધાબું એક દિવસ માટે ભાડે આપવાના ચલણમાં પણ વધારો થયો છે. શહેરની અનેક ક્લબમાં પણ ડીજેના તાલ સાથે પતંગ ચગાવવાના આયોજન કરાયા હતા.
અમદાવાદ એરપોર્ટ ખાતે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ દરમિયાન કપાયેલા પતંગ અને દોરીથી ટેક્ ઓફ- લેન્ડિંગ વખતે અનેક વિમાનને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. કપાયેલા પતંગ-દોરી ઘણી વખત વિમાનના વ્હિલમાં પણ ફસાઈ જાય છે. રન-વે પરથી પતંગ-દોરી હટાવવા 10 સભ્યોની ખાસ ટીમ બનવાઈ છે. ગત વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 15 હજારથી વધુ પતંગને અમદાવાદ એરપોર્ટ રન-વેથી દૂર કરાયા હતા.