For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રેશનિંગ કાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરાશે

05:08 PM Jul 24, 2025 IST | Vinayak Barot
રેશનિંગ કાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરાશે
Advertisement
  • જન્માષ્ટમીના તહેવારોને લીધે અંત્યોદય -BPL પરિવારોને ખાંડ -તેલ રાહત દરે અપાશે
  • રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે,
  • રેશન કાર્ડદીઠ એક લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે અપાશે

ગાંધીનગરઃ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે તેમ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

Advertisement

મંત્રી  કુંવરજીભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-N.F.S.A.2013  હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા Non N.F.S.A BPL કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ-ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ એક લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે અપાશે. આ ઉપરાંત બી.પી.એલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિ.ગ્રા. ખાંડ, એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ એક કિ.ગ્રા. રૂ.22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ એક કિ.ગ્રા. રૂ.15ના રાહત દરે વિતરણ કરવામાં આવશે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈએ કહ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત N.F.S.A. હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના કુટુંબના 3.18 કરોડ સભ્યોને  દર માસે ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ તેમજ વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબદીઠ એક લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની એક કિલોગ્રામ ખાંડનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.

Advertisement

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી  ભિખુસિંહજી પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી ઓગષ્ટ-2025ના  જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ એક કિ.ગ્રા. રૂ. 30 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ એક કિ.ગ્રા. રૂ. 50 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ સિવાય N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા Non N.F.S.A BPL કુટુંબોને મીઠું કાર્ડદીઠ એક કિ.ગ્રા. રૂ. એક પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે આપવામાં આવશે.

મંત્રી  પરમારે કહ્યું હતું કે, આગામી માસમાં આવનાર જન્માષ્ટમીનો તહેવાર લાભાર્થીઓ સારી રીતે ઉજવી શકે તે હેતુથી ઓગષ્ટ-2025ના પ્રારંભમાં જ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચી જાય તે માટે ઓગષ્ટ-2025 માટેની જણસીઓની ફાળવણી ચાલુ માસ જુલાઈ-2025માં કરવામાં આવી છે. આ ઉપરાંત આ ફાળવણીના ચલણ/પરમીટ અન્વયે જથ્થાની ડોરસ્ટેપ વિતરણની કામગીરી પણ હાલ સક્રિય રીતે ચાલી રહી છે. N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતાં દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથેસાથે પોષણ સલામતી મળી રહે તેમજ તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે કલ્યાણકારી યોજનાઓ મારફત ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે આમારી સરકાર કટિબદ્ધ છે.

Advertisement
Tags :
Advertisement