જામનગરમાં ઠેબા ચોકડી નજીક ટેન્કરની અડફેટે એક્ટિવાચાલકનું મોત
- પુરફાટ ઝડપે આવેલા ટેન્કરે એક્ટિવા સહિત ચાલકને 15 ફુટ ઢસડ્યો,
- ટેન્કરચાલક ટેન્કર મુકીને નાસી ગયો,
- અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જામનગરના ઠેબા ચોકડી નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરની નજીક આવેલી ઠેબા ચોકડી પાસે એક ટેન્કરે એક્ટિવાને ટક્કર મારી હતી અને એક્ટિવાને ચાલક સાથે 15 ફૂટ સુધી રસ્તા પર ઢસડ્યો હતો. ઠેબા ચોકડી પાસે આવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માતના લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યારે ટેન્કરચાલક ટેન્કર મુકીને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ઠેબા ચોકડી પર રોડ ક્રોસ કરતાં એક્ટિવાને ટેન્કરે પાછળથી ઠોકર મારતાં એક્ટિવા સાથે ચાલક રસ્તા પર ફંગોળાઈ ગયો હતો. એક્ટિવા ટેન્કરના ટાયર નીચે આવી ગયું હતું. ટેન્કર ચાલકે 15 ફૂટ સુધી એક્ટિવાને ઢસડ્યા બાદ બ્રેક મારી હતી. આ દરમિયાન બાઈકચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળ પાસેના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિકજામ થયો હતો, પરંતુ પોલીસે ટ્રાફિકને વહેલી તકે પુનઃ શરૂ કર્યો હતો. જામનગર શહેરમાં ઠેબા ચોકડીએ ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળે છે, ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમન માટે વધુ ધ્યાન આપવાની જરૂર છે.