કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર કિરણ ચૌહાણ સામે કરવામાં આવશે કાર્યવાહી
અમદાવાદઃ સાબરકાંઠાના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપ્યા બાદ શુક્રવારે રાત્રે CID ક્રાઈમે તેની પૂછપરછ હાથ ધરી હતી. ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને મહેસાણામાં આશરો આપનાર સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે.
જ્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્રના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણામાં આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેકશનની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે એક મહિનાથી ફરાર આરોપીને સીઆઈડી ક્રાઈમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડીને દબોચી લીધો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભુપેન્દ્ર ઝાલાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ ઉપરાંત કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.