વડોદરામાં કારનો કાચ તોડીને 1,32 લાખની ચોરી કેસનો આરોપી પકડાયો
- વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કારમાંથી ચોરી કરતા રિઢા આરોપીને ઝડપી લીધો,
- પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કર્યો,
- લોખંડના છરાની મદદથી કારના કાચ તોડીને બેગની ચોરી કરી હતી
વડોદરાઃ શહેરમાં ચાર દિવસ પહેલા હરણી વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી ફોરવ્હીલર કારમાંથી કાચ તોડીને થયેલી 1 લાખ 32 હજાર રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ માત્ર 4 દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રીઢા ચોર એહમદ ઉર્ફે શાહરૂખ શૌકતખાન પઠાણને ઝડપી પાડ્યો છે અને ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આ બનાવની વિગત એવી હતી કે, શહેરના હરણી વિસ્તારમાં બાલાજી પ્લોટ પાસે પાર્ક કરેલી હોન્ડા સિટી કારના કાચ તોડીને રૂપિયા.1,32 લાખ મત્તા સાથેની ચોરીનો બનાવ ગત 22 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 8.30 વાગ્યાના સુમારે બન્યો હતો. ફરિયાદીએ પોતાની હોન્ડા સિવિક કાર હરણી બાલાજી પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરી હતી. કારની પાછળની સીટ પર રાખેલી બેગમાં એપલ કંપનીનું લેપટોપ, ઘડિયાળ, ચશ્મા તેમજ 50 હજારની રોકડ રકમ મુકેલી હતી. અજાણ્યા શખ્સોએ કારનો કાચ તોડીને આખી બેગની ચોરી કરી લીધી હતી. આ બનાવની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સોર્સ તેમજ બાતમીદારોની મદદથી ટીમે હરણી રોડ વિજયનગર વિસ્તારમાંથી આરોપી એહમદ ઉર્ફે શાહરૂખ શૌકતખાન પઠાણ (ઉ.વ. 46, રહે. રહાડપુર, તા. જંબુસર, જિ. ભરૂચ, મૂળ રહે. મોટી વ્હોરવાડ, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં એપલ લેપટોપ, ચશ્મા, મોબાઈલ એડેપ્ટર તથા રૂ. 23,500ની રોકડ મળી આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું છે કે, લગ્ન સિઝન ચાલુ હોવાથી પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી કારમાં લોકો કિંમતી વસ્તુઓ મૂકી જતા હોવાથી તેનો લાભ લઈને તે પોતાના સાગરીત સલીમ ઉર્ફે કાજબ શેખ (રહે. તાંદલજા) સાથે મળીને આવી ચોરીઓ કરતો હતો. બન્નેએ પલ્સર મોટરસાઈકલ પર આવીને ગીલોલ તથા લોખંડના છરાની મદદથી કારનો કાચ તોડીને બેગની ચોરી કરી હતી.
આરોપી સામે માંજલપુર, સમા, પાણીગેટ, ગોત્રી, જેપી રોડ, સિટી, ગોરવા, હરણી, કારેલીબાગ, બાપોદ, મકરપુરા, નવસારી વલસાડ અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં 25 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.