વલસાડ હાઈવે પર ટ્રક -ટેમ્પા વચ્ચે અકસ્માત, વાપીમાં ટેમ્પાએ બાઈકને ટક્કર મારી
- વલસાડના પાનેસરા હાઈવે પર ટ્રક ડિવાઈડર કૂદીને ટેમ્પા સાથે અથડાયો
- અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો
- વાપી નજીક પાર નદીના બ્રિજ પર ટેમ્પાએ પાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત
વલસાડઃ અમદાવાદ-મુબઈ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વલસાડ હાઈવે પર ટ્રક ડિવાઈડ કૂદીને ટેમ્પા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે બીજો અકસ્માતનો બનાવ અતુલ પાર નદીના બ્રિજ પર ટેમ્પાએ બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વલસાડના પારનેરા હાઇવે પર જૈન દેરાસર સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોરબીથી મુંબઈ તરફ ટાઇલ્સ લઈ જતી ટ્રક (MH-43-CE-8077)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલા ટેમ્પા (DD-09-K-9323) સાથે અથડામણ થઇ હતી. આ અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ટેમ્પો ચાલક વાહનમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતને કારણે મુંબઈ-સુરત હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી અવરોધરૂપ વાહનો ખસેડી ટ્રાફિક ક્લિયર કર્યો હતો. બંને ઈજાગ્રસ્ત વાહન ચાલકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા અકસ્માતની વિગતો એવી છે કે, રવિવારે સાંજે વાપી તરફથી મજૂરી કામ કરીને પરત ફરી રહેલા પ્રહલાદ પટેલ પોતાની બાઇક નંબર GJ-21-J-5572 પર સવાર હતા. પાર નદીના બ્રિજ પર સુરત તરફ જતા એક અજાણ્યા ટેમ્પો ચાલકે પુરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પ્રહલાદ પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવ નેશનલ હાઇવે 48 પર અતુલ પારનદી પાસે બન્યો હતો. અકસ્માત અંગે અબ્રામા ખાતે રહેતા હેમંતકુમારે વલસાડ રૂરલ પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરાર થયેલા ટેમ્પો ચાલકની શોધખોળ કરી રહી છે.