ભીમનાથ નજીક ST બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
- ભીમનાથ પાસે અકસ્માતમાં બાઈકસવાર યુવાનને ગંભીર ઈજા
- અકસ્માતનો બીજો બનાવ ધંધુકા-ધોલેરા હાઈવે સર્જાયો
- બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોને ગંભીર ઈજા
ધંધુકાઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં અકસ્માતનો પ્રથમ બનાવ ભીમનાથ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. બાઈકચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અકસ્માતનો બીજો બનાવ ધંધુકા-ધોલેરા હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા બાઈકસવાર બે યુવાનોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના પ્રથમ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, બરવાળા તાલુકાના ભીમનાથ ગામ નજીક બરવાળા-ધંધુકા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બોટાદથી કૃષ્ણનગર જતી એસ.ટી. બસે દૂધ ભરવા જતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. અણીયાળી ગામના ભાવેશભાઈ ઓઘડભાઈ ભાટીયા બાઈક પર દૂધ ભરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક ભાવેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ભાવેશભાઈને ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બરવાળા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અકસ્માતના બીજો બનાવમાં ધંધુકા-ધોલેરા હાઈવે પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા બે યુવકોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ભડીયાદના રાજદીપસિંહ ચુડાસમા અને સોઢીના વિજય સોલંકીને ઈજાઓ થઈ હતી. વિજય સોલંકીની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ભાવનગર રેફર કરવામાં આવ્યા છે.