દીવમાં મધદરિયે રાતના સમયે શીપ અને બોટ વચ્ચે સર્જાયો અકસ્માત, 4 ખલાસી લાપત્તા
- બોટમાં સવાર 7 ખલાસીમાંથી ત્રણને બચાવી લેવાયા
- ફિશિગ કરીને 16મા દિવસે બોટ પરત ફરી રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત
- દરિયામાં ગુમ થયેલા 3 ખલાસીઓની શોધખોળ ચાલુ
ઊનાઃ દીવના સમુદ્રમાં મોડી રાતે માછીમારી કરીને પરત ફરી રહેલી બોટ શીપ સાથે અથડાતા બોટના 7 ખલાસીઓ દરિયામાં ડુબવા લાગ્યા હતા. એમાંથી ત્રણ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ચાર ખલાસીઓનો હજુ કોઈ અત્તોપત્તો લાગ્યો નથી. તેમજ દરિયામાં ડુબેલી બોટનો પણ કોઈ ભાળ મળી નથી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, દીવમાં મધદરિયે દીપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો છે. દીવના વણાકબારાથી 70 કિમી દૂર નિરાલી બોટ સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 ખલાસીઓમાંથી 3 ને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી દરમિયાન અન્ય ખલાસીઓની શોધખોળ શરૂ છે. બોટ હાલ લાપતા છે, જેને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.
સમગ્ર મામલે બોટના માલિક ચુનીલાલ બારીયાએ જણાવ્યું કે, નિરાલી નામની બોટ દરિયામાં શીપ સાથે અથડાઈ હતી. અમે ફિશિંગ કરીને 16માં દિવસે એટલે કે, ચોથી માર્ચના દિવસે પરત ફરી રહ્યા હતાં. ત્યારે રાતના 10 થી 11 વાગ્યાની આસપાસ કોઈ મોટા જહાજે ટક્કર મારી અને અમારી બોટ પલટી મારીને ડૂબી ગઈ હતી. બોટમાં 7 ખલાસી હતાં, જેમાંથી 3 ખલાસીને બચાવી લેવાયા છે. હજુ સુધી બોટ અને અન્ય 4 ખલાસી લાપતા છે. જેની તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે ખલાસીઓ બચી ગયાં તેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મરીન કોસ્ટ ગાર્ડના સૂત્રોના કહેવા મુજબ નિરાલી બોટમાં બે ગુજરાત તેમજ 5 મહારાષ્ટ્રના ખલાસી હતાં. દીવ ખાતે બનેલી આ દુર્ઘટના બાદ તંત્ર, માછીમારો તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ, એક ટંડેલ અને અન્ય 3 ખલાસી લાપતા છે. આ સિવાય ટંડેલ મિલન, મહારાષ્ટ્રના ખલાસી અનિલ વનગડ અને જલારામ વલવી હોસ્પિટલ હેઠળ સારવાર લઈ રહ્યાં છે.