પાલનપુર અમદાવાદ હાઈવે પર બોલેરો જીપ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, બેના મોત
- પાલનપુર હાઈવે પર એસબીપુરાના પાટિયા નજીક સર્જાયો અકસ્માત
- ટ્રેકટર ટ્રોલી પાછળ બોલેરો જીપ ઘૂંસી ગઈ
- ટ્રેકટર ટ્રોલીમાં બેઠેલા મજુરો રોડ પર પટકાયા,
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત બોલેરો જીપ અને ટ્રેકટર ટ્રોલી વચ્ચે સર્જાયો હતો. હાઈવે પર એસબીપુરા પાટિયા નજીક વહેલી સવારે અમદાવાદ બાજુથી આવતી બોલેરો જીપ આગળ જતાં ટ્રેક્ટર ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ટ્રોલીમાં બેઠેલા મજૂરો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં એકનું ઘટના સ્થળે જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પાલનપુરના એસબીપુરા પાટિયા નજીક ડીમાર્ટ મોલ સામે હાઇવે પર વહેલી સવારના 8:20 કલાકે મજૂરો ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને જગાણા તરફથી પાલનપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ બાજુથી પૂરફાટ ઝડપે આવતી બોલેરો જીપ આગળ જતાં ટ્રેક્ટર ટ્રોલીની પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રોલીમાં બેઠેલા મજૂરો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં અજયભાઈ રમેશભાઈ હેલોત (રહે.બોરીયા, તા.શેરા)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સબુરભાઈ સબુભાઈ કટારા (રહે.કોઠા, તા.શેરા)નું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં શંકરભાઈ દીપાભાઈ ગોડ (રહે.જોધપુર), રૂપીબેન નારસંગભાઈ, નંદાબેન રામાભાઈ ડામોર (બંને રહે.કોઠા, તા.શેરા) સહિતના મજૂરોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.