પાલનપુર આબુ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત, કાર થઈ સેન્ડવીચ,
- બીજો અકસ્માતનો બનાવ રાધનપુર વારાહી હાઈવે પર સર્જાયો,
- અજાણ્યા વાહનચાલકે સાયકલસવારને અડફેટે લીધો,
- સુદ્રાસણા પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત રાહદારીનું મોત
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં પાલનપુર-આબુરોડ હાઈવે પર ત્રણ ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક વચ્ચે કાર સેન્ડવીચની જેમ દબાઈ ગઈ હતી. જ્યારે બીજો અકસ્માતનો બનાવ રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનચાલકે સાયકલને ટક્કર મારતા સાયકલસવારને ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત ત્રીજા અકસ્માત સુદ્રાસણા નજીક બન્યો હતો. જેમાં ટ્રકની અડફેટે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે. કે, પાલનપુર- આબુ હાઇવે ઉપર બાલારામ પુલ ઉપર ત્રણ ટ્રકો અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સેન્ડવીચ બની ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી. કારમાં બેઠેલા વ્યકિતઓને વધતી ઓછી ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના કહેવા મુજબ નાળીયેર ભરેલી ટ્રકની પાછળ પસાર થઇ રહેલી કારને ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. કાર બે ટ્રકો વચ્ચે સેન્ડવીચ બની ગઇ હતી. જ્યારે ચોથી ટ્રક પણ ટ્રેલરની પાછળ અથડાઇ હતી. ચાર વાહનો વચ્ચે થયેલા અકસ્માતથી હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
બીજા બનાવની વિગતો એવી છે કે, રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર આધેડ સાયકલ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.જે દરમિયાન શાંતીધામ બ્રિજ નીચે ઉતરતા અજાણ્યા વાહન ચાલકે સાયકલને ટક્કર મારતાં આધેડ જમીન પટકાતાં હાથ અને પગ ફેક્ચર થયું હતું. પોલીસ સૂત્રોના કહેવા મુજબ રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલા રવિધામમાં રહેતા અમૃતભાઈ મલાભાઈ પરમાર રાધનપુર વારાહી નેશનલ હાઇવે પર સાંજે સાતેક વાગ્યાના સમયે તેઓ સાયકલ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. અજાણ્યા વાહને સાયકલને ટક્કર માર્યા બાદ નાસી ગયો હતો. આધેડને હાથ અને પગના ભાગે ફેક્ચર તેમજ કપાળના ભાગે ઈજાઓ પહોંચી હતી.
બીજા બનાવમાં ઇડરના સુદ્રાસણામાં પાંચેક દિવસ અગાઉ અજાણ્યા વાહનની ટક્કરે ઇજાગ્રસ્ત થયેલા શખ્સનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થતાં જાદર પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.