હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બીજાની વાતનો સ્વીકાર સંબંધોને વધુ સુવાસિત બનાવી શકે છે

08:00 AM Feb 22, 2025 IST | revoi editor
Advertisement

સંકેત એક સરકારી કચેરીમાં વર્ગ-૪નો સેવક. સેવક એટલે સાદી ભાષામાં પટાવાળા. આ ‘પટાવાળા’ શબ્દના ઇતિહાસની લોકવાયકા પણ મજાની છે. બ્રિટીશર્સના જમાનામાં સેવકોના સફેદ દૂધ જેવા ગણવેશમાં કમરે લાઅલ કલરના મોટા પટ્ટા રહેતા. તેથી લોકોમાં ‘પટ્ટાવાળા’ તરીકેની પહેચાન બની અને એ શબ્દ અપભ્રંશ થઇને પટાવાળા તરીકે આજ પર્યંત તંત્રમાં ચાલે છે. આ સંકેતભાઈ જે ઓફિસમાં કામ કરતા હતા ત્યાં, એક દિવસ ઘણા બધા કાગળો ઝેરોક્ષ કરી સંકલિત કરીને બે-ત્રણ કલાકની સમય મર્યાદામાં પાંચસો જેટલા સેટ બનાવવાનું મહત્વનું કામ આવી ગયું. સંકેત અને એના બે-ત્રણ સાથી સેવકો માટે આ ખૂબ ચેલેન્જીંગ કામ હતું. સંકેત અને તેના સાથી મિત્રો સાહેબે સૂચવેલી રીતે સેટ તૈયાર કરવાના કામમાં લાગી ગયા.

Advertisement

કામની ક્વોન્ટિટી જોતા સાહેબને લાગ્યું કે, આ બે-ચાર માણસો ગમે એટલી ક્ષમતાપૂર્વક કામ કરશે તો પણ સમયમર્યાદામાં કાર્ય પૂરું થાય એમ નથી. સાહેબ બીજા બે જુનિયર અધિકારીઓ સાથે જ્યાં સંકેતની ટીમ ‘સેટ’ બનાવતી હતી ત્યાં આવ્યા. સાહેબ ત્યાં થોડીવાર ઊભા રહ્યા. સંકેત અને તેના સાથીઓની ઝડપ અને ટીમવર્કને બસ જોતા જ રહ્યા. સાહેબ બોલ્યા, ‘યાર, સંકેત તું અને તારા સાથીઓ સરસ સ્પીડથી કામ કરી રહ્યા છો. લાવ હું પણ સેટ બનાવવા લાગી જાઉં...’ સાહેબે કહ્યું.

‘રહેવા દો સાહેબ અમે પૂરું કરી દઈશું.’ સંકેતે સ્માઇલ સાથે સાહેબને કહ્યું.

Advertisement

પણ સાહેબ સેટ બનાવવા બેસી ગયા. તેમણે સંકેતને કહ્યું, ‘ભાઈ સંકેત જરા મને પહેલા તારી સ્ટાઇલ શીખવ પછી હું કામ શરું કરું. આમા તારી અને તારી ટીમની માસ્ટરી છે. કામ બગડે નહીં એટલે અમને પહેલા બરાબર શીખવ. તમારા લોકો જેટલી ઝડપથી અમે સેટ નહીં બનાવી શકીએ, પણ થોડી મદદ ચોક્કસ થશે.’

સાહેબના પ્રશંસાના બે શબ્દો સંકેતની ટીમ માટે અનેરો જોમ અને જુસ્સો લાવનારા બની ગયા. સંકેતે સાહેબને સેટ બનાવવાની ‘ફોર્મ્યુલા’ હોંશે હોંશે શીખવી. બધા સાથે મળીને કામ કરવા લાગ્યા. નિયત સમય કરતાં પણ કામ વહેલું પૂરું થઈ ગયું.

એક કચેરીમાં ખરેખર બનેલો આ પ્રસંગ આમ જોવા જઈએ તો ખૂબ નાનો છે. પણ બીજાની વાતનો સ્વીકાર કરી ‘વીન વીન’ સીચ્યુએશન શીખવતું મોટું લેસન પણ છે. કોઈની જિંદગી બદલવાનું આપણા હાથમાં નથી પરંતુ, અન્યના કાર્યોની તાજા સુગંધીદાર પુષ્પો જેવી પ્રસંશા કરીને બન્ને પક્ષે આનંદનો અનોખો ઉઘાડ આપવાનુ ચોક્કસ આપણા હાથમાં છે. બીજાની વાતનો સ્વીકાર સંબંધોને વધુ સુવાસિત બનાવી શકે છે. આમ પણ સાચા સંબંધો બીજાના વિચારોના સ્વીકાર અને સત્કાર કરવાના આનંદ માટે તો હોય છે. સંબંધો ઉપયોગ કરવા માટે હરગીઝ નથી હોતા. જ્યારે સંબંધોમાં ‘ઉપયોગ’ની ભાવના વધે અને ‘સ્વીકાર’ની ભાવના ઘટે ત્યારે ‘સંબંધ’ માત્ર ‘પ્રબંધ’ બનીને રહી જાય છે.

પુલક ત્રિવેદી

બીજાના વિચારો અને વાતને હૃદયપૂર્વક સ્વીકાર કરવાની તત્પરતા જ એક સારા માણસની ઓળખ છે. જે વ્યક્તિ બીજાની વાતનો સ્વીકાર કે સત્કાર નથી કરી શકતો એ વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની વાત તો દૂર, એવા વ્યક્તિ ચાલવા માટેનો માર્ગ પણ નથી જોઈ શકતા. પોતાની જ વાત સત્ય અને મારા જ વિચારો શ્રેષ્ઠ માનવાવાળા સૌથી વધારે ગૂંચવણમાં અને મુંઝાયેલા હોય છે. જાણીતા ચિંતક-લેખક અરવિંદ કટોચ કહે છે કે, જીવનમાં ઉમંગ અને ઉલ્લાસનો અહેસાસ બીજાની પ્રસંશાના બે બોલ અને સ્વીકારના ટહુકારમાંથી થાય છે.

કેટલાક લોકો એવા તર્ક પણ કરે છે કે શું ખોટે ખોટી અને નિરર્થક પ્રશંસા કરે રાખવી ? ખોટી પ્રસંશા ક્યારેય ન કરવી જોઈએ. જ્યારે ખોટી પ્રસંશા થાય તો એ ‘ખુશામત’ના ‘સેગમેન્ટ’માં આવી જાય છે. ખુશામત એ કંઈક લાભ લેવાના હેતુથી, ઉપયોગ કરવા માટેનો સસ્તો અને ચિબાવલો માર્ગ છે. ‘પ્રશંસા’ એ વ્યક્તિના સારા વિચારોના સ્વીકારનો સત્કાર છે. કેટલાક તો કોઈનું સારું ન જ બોલવું એ માટે પ્રયત્નો કરતા હોય છે. આવા વ્યક્તિઓ હંમેશા પોતાની જાત સાથે દ્વંદ્વ કરતા હોય છે. એમનું યુદ્ધ એમણે નક્કી કરેલી એમની કક્ષા સાથેનું હોય છે. નવા વ્યક્તિને ‘સારું કર્યું’ કે ‘વાહ, તમે ઉત્તમ રજૂ કર્યું’ એમ કહેવામાં કેટલાક લોકો તેમની કક્ષાથી નીચે પડવા જેવું લાગતું હોય છે. આવા લોકો જાણે અજાણે ઈર્ષ્યાવૃત્તિનાં બીજને પોતાના મનમાં ઝાડ કરીને ફરતા હોય છે.

પોતાની ભૂલનો સ્વીકાર અને બીજાની વાતનો ખુલ્લા મને સ્વીકાર આ બે જીવનની ઉષા છે. અન્યની વાતનો પ્રશંસાના બે શબ્દો સાથે સ્વીકાર સૂરજના પહેલા કિરણ જેવો આહ્‌લાદ આપે છે. પંખીની જેમ ખુલ્લા આકાશમાં ઉડવાનો આનંદ આપે છે. સમજદાર તો એ કહેવાય કે, બીજાની વાતમાંથી વિશેષતા તારવી પ્રશંસાના પુષ્પ પાથરે એમાંથી પ્રાપ્ત જેવુ હોય તો એનો સ્વીકાર કરે. માત્ર તુલના કરી ઈર્ષ્યાવૃત્તિથી સામે પક્ષે કોઈ નુકસાન નથી. નુકસાન તો ખોટી કક્ષા નક્કી કરીને બેસનારને જ થતું હોય છે.

માણસ પોતાનું દુઃખ તો આસાનીથી સહી લેતો હોય છે પણ બીજાની પ્રગતિ અને વાતનો સ્વીકાર કરી શકતો નથી. પોતાની કક્ષા જાતે જ નક્કી કરી બેઠેલો વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની પ્રસંશા થાય તો જેમ પાણી વગર માછલી તરફડીયા મારે એમ મનોમન છટપટાઈને ગળે આવી જાય. એટલે જ તો કહેવાય છે દુશ્મનો સાથે લડવા માટે ભાલા, બંદુક, તલવાર કે મિસાઈલની જરૂર જ નથી. દુશ્મનના મિત્ર કે સાથીની પ્રશંસા કે સત્કાર કરો એટલે સફળતા ખેરાતમાં ખોળામા આવીને પડશે. બૌદ્ધ ગુરુ દલાઈ લામાએ સરસ વાત કરી છે કે, બીજાના વ્યવહારની કે વાતની ઈર્ષ્યા કરી પોતાની શાંતિ ડહોળવા કરતા અન્યની વાતનો સ્વીકાર કરી પ્રશંસા કરીને વાતાવરણમાં આનંદનો ગુલાલ કેમ ન ઉડાડીએ ?

એ વાત પણ એટલી જ સાચી છે કે, પ્રશંસાના બે શબ્દો તમારા માટે કદાચ મહત્વના ન હોય કે તમારા જીવનમાં કદાચ કોઈ બદલાવ ન પણ લાવે, પરંતુ અન્યને માટે તમારી પ્રશંસા બહુ મોટું બળ બની ઉભરી શકે છે. જીવનમાં જો કોઈ સૌથી મોટી ખુશી મળતી હોય તો સામેની વ્યક્તિની વાતના સ્વીકાર સાથે પ્રશંસાના બે શબ્દોથી એના મુખ ઉપર આવતા ‘સ્મીત’ને જોવાની છે. આ સ્મીત ધરતીની બહાર ડોકું કાઢીને હસતી કુમળી કુંપળ જેવું નિર્મળ અને સ્વચ્છ હોય છે. આમ પણ માણસનો મુળતઃ સ્વભાવ સ્વીકારનો છે. ઇશ્વરે આપેલા હિમાલય જેવા પર્વતનું સૌંદર્ય, ગંગા અને નર્મદા જેવી નદીઓનું રૂપ, હિન્દ મહાસાગર જેવા સમુદ્રોનો વૈભવ, ખળખળ વહેતા ઝરણાઓના કલરવ, ઉડતા પંખીઓનો રંગીન નઝારો, જંગલમા વિહરતા પ્રાણીઓની મસ્તી વગેરે અદ્‌ભુત સૌંદર્યપૂર્ણ ખજાનાના સ્વીકાર માટે માણસ આદી અનાદી કાળથી માણતો આવ્યો છે. બીજાની વાતનો સ્વીકાર અને સત્કાર સૌથી સુંદર મન:સ્થિતિ છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article