અમદાવાદમાં જે જી યુનિવર્સિટી પર એબીવીપીના કાર્યક્તાઓએ કર્યો હલ્લાબોલ
- ગઈ તા. 10મીએ ઘર્ષણ બાદ એબીપીપીના વિદ્યાર્થીઓ રેલી કાઢી વિરોધ કર્યો,
- કાર્યકરોને અટકાવવા માટે કોલેજ ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત,
- જે.જી.કોલેજ તરફથી એકડેલીગેશન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા ગેટ પર આવ્યું
અમદાવાદઃ શહેરમાં જે જી યુનિવર્સિટી સામે આજે એબીવીપીના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ ગઈ તા. 10મી ઓક્ટોબરે પણ જેજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતા એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન લડી લેવાના મૂડમાં આવી ગયું છે. અને આજે પણ યુનિવર્સિટી સામે હોબાળો મચાવ્યો હતો. જોકે યુનિવર્સિટીના ગેટ પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરના દૂરદર્શન ટાવરથી લઈને જેજી યુનિવર્સિટી સુધી એબીવીપીના કાર્યકર્તાઓએ આજે રેલી કાઢી હતી. એબીવીપીના કાર્યકર્તાઓને કોલેજમાં જતા અટકાવવા માટે ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો હતો. રેલી જેજી યુનિવર્સિટી પહોંચતા જ કાર્યકરોને કોલેજમાં ન જવા દેતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. ભીડ બેકાબૂ થતાં વધુ પોલીસ કાફલો બાલાવાયો હતો. દરમિયાન કોલેજ બહાર જ કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા. સ્થિતિ વધુ ગંભીર બનતા જેસીપી નીરજકુમાર બડગુજર અને ડીસીપી હર્ષદ પટેલ પણ દોડી ગયા હતા. એક કલાકથી વધુ સમય બાદ એબીવીપીના કાર્યકર્તાઓને જેજી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરમિયાન જે.જી.કોલેજ તરફથી એક ડેલીગેશન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા ગેટ પર આવ્યું હતુ. સાથે જ JCP નીરજ બડગુજરે પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. લેખિતમાં આવેદનપત્ર આપી તમામ માગ પૂરી કરવા એબીવીપીએ માગ કરી છે. જો માગ નહીં સ્વીકારાય તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતભરના કાર્યકર્તાઓને એકત્ર કરવાની એબીવીપીએ તૈયારી બતાવી છે