For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિજયનગર નજીક ધોધની સેલ્ફી લેવા જતા યુવાને જીવ ગુમાવ્યો, ચેકડેમમાં ડૂબી જતા મોત

05:43 PM Jul 07, 2025 IST | revoi editor
વિજયનગર નજીક ધોધની સેલ્ફી લેવા જતા યુવાને જીવ ગુમાવ્યો  ચેકડેમમાં ડૂબી જતા મોત
Advertisement
  • ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમમાં યુવાન ડૂબ્યો,
  • કણાદર પાસે પ્રાકૃતિક ધોધ પર સેલ્ફી લેતો યુવક ધોધમાં પડતા મોત,
  • સાબરકાંઠામાં 24 કલાકમાં બે કરુણ ઘટના બની

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ડુબી જવાના બે બનાવોમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. પ્રથમ બનાવમાં ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમમાં ડૂબી જતા  નિલેશ દેવજીભાઈ પરમાર (રહે, કટોસણ (રાજપુરા), તા.દેત્રોજ, જિ.મહેસાણા)નું મોત નિપજ્યુ હતું. જ્યારે બીજા બનાવમાં વિજયનગર તાલુકાના કણાદર ગામ નજીક પ્રાકૃતિક ધોધ પર સેલ્ફી લેવાના પ્રયાસમાં અલ્પેશ મેણાત (રહે.ઓડ, તા.ભિલોડા, જિ.અરવલ્લી) નામના યુવાને  જીવ ગુમાવ્યો હતો.

Advertisement

પ્રથમ બનાવની વિગત એવી છે કે, ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમમાં મહેસાણા જિલ્લાના દેત્રોજ તાલુકાના કટોસણ (રાજપુરા) ગામના 23 વર્ષીય નિલેશ દેવજીભાઈ પરમાર નદીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઇડર અને હિંમતનગર ફાયર વિભાગ તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત સાત કલાક સુધી શોધખોળ ચલાવવામાં આવી હતી, પરંતુ તેમનો મૃતદેહ મળ્યો ન હતો. દરમિયાન આજે સોમવારે સવારે હિંમતનગર, ઇડર, વિજાપુર ફાયર વિભાગ અને SDRF ટીમ સહિત કુલ 40 ફાયરમેને સવારે 7 વાગ્યાથી ફરીથી શોધખોળ શરૂ કરી હતી. આખરે, 12 કલાકની સઘન શોધખોળ બાદ આજે સવારે 10 વાગ્યે નિલેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવની વિગત એવી છે કે,  સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કણાદર ગામ નજીક પ્રાકૃતિક ધોધ પર સેલ્ફી લેવાના પ્રયાસમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. ભિલોડા તાલુકાના પાલ્લા ગામ પાસે આવેલા ઓડ ગામનો 18 વર્ષીય મેણાત અલ્પેશ પોતાના મિત્રો સાથે કણાદર ગામ પાસેના ડુંગરાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલા ધરતીમાતાના મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરતી વખતે, મંદિરના પાછળના ભાગમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વહેતા ધોધ પર ચડીને મોબાઈલમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન, ધોધ પાસેના પથ્થરો પર પુષ્કળ લીલ હોવાને કારણે અલ્પેશભાઈનો પગ લપસી જતા એકાએક તે વહેતા પાણીના ધોધમાં પડી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement