રાજકોટના માધાપર ચોકડી નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા યુવાનનું મોત
- ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ,
- હડાળા ગામનો યુવાન રિક્ષા લઈને રાજકોટ રહેતા દાદીને મળવા આવ્યો હતો,
- પોલીસે અજાણ્યા વહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટઃ શહેરના બેડી ચોક પાસે માધાપર ચોકડી તરફ જતા રોડ પર રાતે કોઈ અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. દરમિયાન મોડી રાત્રિના સમયે અકસ્માતગ્રસ્ત રિક્ષાની બાજુમાં અજાણ્યો યુવાન લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જેને અન્ય રાહદારીઓએ 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં ડોકટરે તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા આ યુવાન મોરબી રોડ પર આવેલા હડાળા ગામનો પ્રેમ આમદભાઈ મોવર (ઉં.વ.18) હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ -મોરબી રોડ પર આવેલા હડાળા ગામના રહેવાસી પ્રેમ મોવર (ઉ.વ. 18) રિક્ષા લઈને રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા તેના દાદીના ઘરે આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતો હતો, ત્યારે અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા ઇજાગ્રસ્ત થતાં પ્રેમને આસપાસના લોકોએ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ત્રણ બહેનોના એકના એક યુવાન ભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રેમ બજરંગવાડીમાં રહેતા તેમના દાદીના ઘરે ગયો હતો અને ત્યાંથી રાત્રે પરત હડાળા ગામ પોતાના ઘરે જતો હતો, ત્યારે રિક્ષા કોઈ વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાનો બુકડો બોલી ગયો હતો અને પ્રેમને ઈજા થતા મોત નિપજ્યું હતું. પ્રેમએ શોખ ખાતર રિક્ષા રાખી હતી અને ચલાવતો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. આ તરફ પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.