વડોદરા નજીક નેશનલ હાઈવે પર ટામેટા ભરેલી ટ્રક પલટી જતા 10 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો
- ટ્રક પલટી જતા ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ,
- ટામેટા ભરેલી ટ્રક સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી,
- ટામેટાથી ભરેલી ટ્રકને હટાવવા માટે ક્રેનની મદદ લેવાઈ
વડોદરાઃ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક આજે સવારે ટામેટા ભરેલી ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી ટામેટા ભરેલી એક ટ્રક આજવા APMC પાસે પલટી મારી ગઈ, જેના કારણે રસ્તા પર ટામેટાની રેલમ-રેલમ છવાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવેનો એક તરફનો માર્ગ બંધ થઈ જતાં લગભગ 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે ટ્રકના ચાલક અને ક્લીનર બંનેનો આબાદ બચાવ થયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વજોદરા નજીક આજવા એપીએમસી નજીક સુરતથી અમદાવાદ જઈ રહેલી ટામેટા ભરેલી ટ્રક પલટી જતા હાઈવે પર ટમેટાની રેલમછેલ છવાઈ હતી. ટ્રક પલટી જતા હાઈવે પર 10 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ મામલે ટ્રક ચાલકે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, આગળ જઈ રહેલી એક ફોર-વ્હીલર કારનું ટાયર ફાટવાને કારણે તેને બચાવવા જતાં ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ. જોકે, પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતાં આવી કોઈ કાર મળી નથી, જેના કારણે આ નિવેદન શંકાસ્પદ બની રહ્યું છે.
આ અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કપુરાઈ અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ટામેટાથી ભરેલી ટ્રકને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે રસ્તો ખુલ્લો કરવા માટે ઝડપથી કામગીરી શરૂ કરી હતી. હાલમાં પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ટ્રક નડિયાદની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને કારણે રસ્તા પર ફેલાયેલા ટામેટાને હટાવવામાં પણ સમય લાગ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી.