ડીસા નજીક ચોખા ભરેલી ટ્રક તેલ ભરીને જતી બે ટ્રકો સાથે અથડાતા લાગી આગ, એકનું મોત
- ડીસાના કૂચાવાડા વિઠોદર વચ્ચે સર્જાયો અકસ્માત
- આગ લાગતા ત્રણેય ટ્રક માલ-સામન સાથે બળીને ખાક
- ફાયર ફાયટરોએ બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી
ડીસાઃ બનાસકાંઠામાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડીસાના કૂચાવાડા અને વિઠોદર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો, ચોખા ભરેલી ટ્રક રોંગ સાઈડમાં જઈને તેલ ભરીને જતી બે ટ્રકો સાથે અથડાતા આગ ફાટી નિકળી હતી. દરમિયાન બે ટ્રકના ચાલકો કૂદીને કેબીનમાંથી બહાર નિકળી જતાં તેનો બચાવ થયો હતોય જ્યારે એક ટ્રકનો ચાલક આગમાં ભડથુ થઈ ગયો હતો, ટ્રકમાં તેલ ભરેલું હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ થતાં ડીસા, પાલનપુર, ધાનેરા અને પાંથાવાડાથી પણ ફાયર ફાઈટર દોડી આવ્યા હતા. બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ડીસાના કુચાવાડાથી વિઠોદર વચ્ચે ભાચરવા નજીક ચોખા ભરેલી ટ્રક રોંગ સાઈડથી આગળ જતાં તેલ ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. દરમિયાન પાછળથી આવી રહેલી બીજી તેલ ભરેલી ટ્રક પણ ટકરાતાં ભયાનક ધડાકા સાથે ત્રણેય ટ્રકમાં આગ લાગી હતી. વચ્ચેની તેલ ભરેલી ટ્રકનો ડ્રાઈવર જીવતો સળગ્યો હતો. માત્ર ખોપડી બચી હતી. અન્ય બે ટ્રકના ત્રણ જણા સમયસર કૂદી જતા બચી ગયા હતા. તેઓ ખેતરોમાં દોડી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ડીસાથી બે ફાયર ફાઈટર, પાલનપુર, ધાનેરા અને પાંથાવાડાથી પણ ફાયર ફાઈટર આવ્યા હતા. બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આ અકસ્માતથી આખો રસ્તો બ્લોક થયો હતો. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગતાં 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો.