અંબાજીમાં 9મી ફેબ્રુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે
- જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી
- પ્રવાસીઓ માટે ખાસ એસટી બસો ફાળવાશે
- 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. પરિક્રમા મહોત્સવને લીધે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જ મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્વચ્છતા, પાણી અને પાર્કિંગ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજીમાં 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નું આયોજન કરાશે. આ મહોત્સવના આયોજનનાં ભાગરૂપે તાજેતરમાં જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પરિક્રમા મહોત્સવ દરમિયાન માં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળે તેવી વ્યવસ્થા ગાઠવવામાં આવશે. કલેકટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં 500 થી વધુ બસનું સંચાલન, સ્વચ્છતા જળવાય, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર પ્રસાર વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ-અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ બેઠકમાં અંબાજી વહિવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા સમગ્ર કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. એસટી વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં પાલનપુર એસટી વિભાગની 1939 બસો ફાળવવામાં આવી હતી. જેના દ્વારા પાલનપુર એસટી વિભાગને રૂપિયા 3.60 કરોડની આવક થઈ હતી.